<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ભારે કરીઃ માના અસ્‍થિ લઈને ટ્રેનમાં જઈ રહ્યા હતા ભાજપના નેતાઃ માલ સમજીને ચોર કળશ ઉઠાવી ભાગ્‍યો

 

ઈન્‍દોર તા.૨૩: ભાજપના નેતા દેવેન્‍દ્ર ઈનાણી પોતાની માતાના અસ્‍થિ વિસર્જન કરવા હરિદ્વાર જઈ રહ્યા હતા, ત્‍યારે ટ્રેનમાં એક બદમાશે તેમનો કળશ ચોરી લીધો. જો કે ઊંઘ ઉડી જતાં આ ચોર રંગેહાથે ઝડપાઈ ગયો હતો. જેને યાત્રીઓએ જીઆરપીના હવાલે કરી દીધો હતો. આ ઘટના યોગ નગરી ઋષિકેશ એક્‍સપ્રેસમાં થઈ હતી.

 ઈન્‍દોરના ભાજપ નેતા દેવેન્‍દ્ર ઈનાણી પોતાની માતાના અસ્‍થિ વિસર્જન કરવા હરિદ્વાર જઈ રહ્યા હતા.

૨૦ જૂલાઈના રોજ બપોરે હરિદ્વાર જવા માટે લક્ષ્મીબાઈ નગર સ્‍ટેશનથી યોગ નગરી ઋષિકેશ એક્‍સપ્રેસથી પરિવારના ૮ લોકો સાથે રવાના થયા હતા. દેવેન્‍દ્રે કહ્યું કે જો તે ચોર અસ્‍થિ લઈ જાત તો માને હું શું જવાબ આપત? મારી સાથે માતાના અસ્‍થિ ઉપરાંત પરિવારના ત્રણ લોકોના અસ્‍થિ પણ હતા. જેનું વિસર્જન કરવા માટે અમે હરિદ્વાર જઈ રહ્યા હતા.

ઈનાણીના જણાવ્‍યા અનુસાર, આ ચોર એસ-૪ ડબ્‍બામાંથી અંદર ઘૂસ્‍યો હતો. તે મારી પાસે રાખેલા માતાના અસ્‍થિને થેલામાંથી કાઢીને ભાગવા લાગ્‍યો. એટલામાં મારી ઊંઘ ઉડી ગઈ તો મેં તેને પકડી લીધો. દેકારો થતાં આજુબાજુના લોકો પણ જાગી ગયા. તેમણે તેની સાથે મારપીટ કરી. લોકોએ પોતાનો સામાન ચેક કર્યો. વોશરુમમાં જોયું તો ત્‍યાં બે ખાલી પર્સ પડ્‍યા હતા. આ ચોરે એક વ્‍યક્‍તિનો મોબાઈલ ફોન ડબ્‍બાની બહાર ફેંકી દીધો. યાત્રીઓએ આ ચોરને પકડીને જીઆરપીએફને સોંપી દીધો

(10:44 AM IST)