News of Wednesday, 23rd July 2025
ભારત- બાંગ્લાદેશ સરહદે બીએસએફનું મોટું ઓપરેશન : સૈનિકોએ 89.4 કિલો ગાંજાની દાણચોરી નિષ્ફ્ળ બનાવી
143મી બટાલિયનના સૈનિકોએ અમુદિયા સરહદ ચોકી નજીક ચારથી પાંચ શંકાસ્પદ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો: ગોળીબાર કરતા બોરીઓ મૂકીને ભાગી ગયા

ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (BSF) ના જવાનોએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. સૈનિકોએ અહીં લગભગ 89.4 કિલો ગાંજાની દાણચોરીને નિષ્ફળ બનાવી છે. આ કાર્યવાહી ઉત્તર 24 પરગણા અને નાદિયા જિલ્લામાં કરવામાં આવી હતી, જ્યાં BSF ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી હતી.
એજન્સીના જણાવ્યા અનુસાર BSFના એક અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે માહિતી મળી હતી કે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ દાણચોરીના ઇરાદાથી સરહદ નજીક ફરતા હતા. આના પર 143મી બટાલિયનના સૈનિકોએ અમુદિયા સરહદ ચોકી નજીક ચારથી પાંચ શંકાસ્પદ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. BSF એ ચેતવણી તરીકે નોન-લેથલ પંપ એક્શન ગન (PAG) થી ગોળીબાર કર્યો, ત્યારબાદ બધા દાણચોરો તેમના બોરીઓ છોડીને ભાગી ગયા. જ્યારે સૈનિકોએ વિસ્તારની તપાસ કરી ત્યારે ત્યાંથી 56 કિલો ગાંજો મળી આવ્યો હતો.
આ ઉપરાંત BSF એ બે અન્ય કામગીરીમાં ગાંજાની મોટી ખેપ પણ પકડી હતી. 11મી બટાલિયનની બોરીપોટા અને રાણીનગર સરહદ ચોકી પરથી 28.4 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. તે જ સમયે 32મી બટાલિયનની ગેડે બોર્ડર આઉટપોસ્ટ પર એક અલગ ઓપરેશનમાં 5 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
BSF અધિકારીએ જણાવ્યું હતું કે કુલ 89.4 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે જે વહીવટી અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. આવી દાણચોરીની ઘટનાઓને રોકવા માટે સરહદ પર તકેદારી વધુ વધારી દેવામાં આવી છે. નોંધનીય છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સમયાંતરે ડ્રગ્સની દાણચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. દાણચોરો ઘણીવાર સરહદી વિસ્તારોમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ BSFની સતર્કતાને કારણે તેમની યોજનાઓ નિષ્ફળ જાય છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
