<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

૩૦૦૦ કરોડની લોન ફ્રોડ : ઇડીનાં દરોડા

છોટે અંબાણી ફસાઇ ગયા : અનિલ અંબાણી ઉપર મુસીબતનો પહાડ તુટી પડયો : દિલ્‍હી - મુંબઇમાં દરોડા : ૨૫ થી વધુ લોકોની પુછપરછ : યસ બેંક પાસેથી લીધેલી રૂ.૩૦૦૦ કરોડની લોનનો છે મામલો : ૫૦ કંપનીઓ અને ૩૫ થી વધુ સ્‍થળોએ તપાસ

નવી દિલ્‍હી, તા.૨૪: ED એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પરિસરમાં દરોડા પાડ્‍યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સવારથી જ આ દરોડા ચાલુ છે. કેન્‍દ્રીય એજન્‍સીએ અનિલ અંબાણીના રિલાયન્‍સ ગ્રુપ સાથે જોડાયેલી ૫૦ કંપનીઓ અને ૩૫ થી વધુ સ્‍થળો પર દરોડા પાડ્‍યા હતા. યસ બેંક લોન કૌભાંડ સંબંધિત મની લોન્‍ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્‍યા છે. એક સમયે દેશના ટોચના ધનિકોમાં સામેલ અંબાણીની ઘણી કંપનીઓ નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અથવા વેચાઈ ગઈ છે. તાજેતરમાં SBI એ તેમની કંપની રિલાયન્‍સ કોમ્‍યુનિકેશન્‍સ અને તેમને (અનિલ અંબાણી) છેતરપિંડી જાહેર કર્યા છે. આ કેસમાં ૨૫થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.

સીબીઆઈ દ્વારા બે એફઆઈઆર નોંધાયા બાદ ઇડીએ આ દરોડા પાડ્‍યા છે. આ ઉપરાંત, સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્‍શિયલ રિર્પોટિંગ ઓથોરિટી જેવી એજન્‍સીઓએ પણ આ મામલાને લગતી માહિતી EDને આપી હતી. ચ્‍ઝના જણાવ્‍યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે યસ બેંકે ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. એવો આરોપ છે કે આ લોન શેલ કંપનીઓ અને જૂથની અન્‍ય કંપનીઓને આપવામાં આવી હતી અને પછી ત્‍યાંથી અન્‍યત્ર મોકલવામાં આવી હતી.

તપાસકર્તાઓને એવા પુરાવા પણ મળ્‍યા છે જે દર્શાવે છે કે યસ બેંકના અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી, જેમાં બેંકના પ્રમોટરોનો પણ સમાવેશ થાય છે. એજન્‍સીને યસ બેંકની લોન વિતરણ પ્રક્રિયામાં અનેક ગંભીર અનિયમિતતાઓ મળી આવી છે. જેમ કે લોન દસ્‍તાવેજો પાછળથી તૈયાર કરવામાં આવ્‍યા હતા, યોગ્‍ય રીતે તપાસ કરવામાં આવી ન હતી, અને નબળી નાણાકીય સ્‍થિતિ અને સમાન ડિરેક્‍ટરો ધરાવતી કંપનીઓને લોન આપવામાં આવી હતી. ED ને લોનની શરતોનું ઉલ્લંઘન, ખાતા હંમેશા ખુલ્લા રાખવા અને લોન મંજૂર થયાના દિવસે અથવા તે જ દિવસે પૈસા વહેંચવાના કિસ્‍સાઓ પણ મળી આવ્‍યા છે.

ED ની કાર્યવાહી ત્‍યારે શરૂ થઈ જ્‍યારે CBI એ બે અલગ અલગ FIR નોંધી. આ કેસ RAAGA કંપનીઓ સાથે સંબંધિત છે, જે રિલાયન્‍સ અનિલ અંબાણી ગ્રુપના એકમો છે. બેંકો પાસેથી છેતરપિંડી, ઉચાપત અને છેતરપિંડીથી લોન લેવાના ગંભીર આરોપો FIR નંબર RC2242022A0002 અને ય્‍C2242022A0003 હેઠળ દાખલ કરવામાં આવ્‍યા છે.

આ FIR ના આધારે, ED એ તપાસ શરૂ કરી અને શોધી કાઢયું કે બેંકો, રોકાણકારો અને સરકારી સંસ્‍થાઓ સાથે સુનિયોજિત યોજના હેઠળ છેતરપિંડી કરવામાં આવી હતી. એજન્‍સીએ એ પણ શોધી કાઢયું કે યસ બેંક પાસેથી મળેલા પૈસા ગેરકાયદેસર રીતે કંપનીના પ્રમોટરો અને અન્‍ય ગ્રુપ કંપનીઓમાં વાળવામાં આવ્‍યા હતા.

ED ની તપાસમાં સૌથી ચોંકાવનારું પાસું એ છે કે ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન યસ બેંક દ્વારા RAAGA કંપનીઓને આપવામાં આવેલી લોન નિયમોની સંપૂર્ણ અવગણના કરીને મંજૂર કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્‍યું છે કે લોન મંજૂર થાય તે પહેલાં જ ખાનગી કંપનીઓ દ્વારા યસ બેંકના પ્રમોટરોને મોટી રકમ આપવામાં આવી હતી.

ક્રેડિટ એપ્રુવલ મેમોરેન્‍ડમ જેવા લોન સંબંધિત દસ્‍તાવેજો, પાછળની તારીખમાં તૈયાર કરવામાં આવ્‍યા હતા. કોઈપણ પ્રકારની તપાસ કે ક્રેડિટ વિશ્‍લેષણ વિના લોન મંજૂર કરવામાં આવી હતી, જે બેંકની ક્રેડિટ પોલિસીનું સીધું ઉલ્લંઘન હતું.

આ ઉપરાંત, ED એ પણ શોધી કાઢયું કે લોન તાત્‍કાલિક અન્‍ય જૂથો અને શેલ કંપનીઓને ટ્રાન્‍સફર કરવામાં આવી હતી. લોન ફક્‍ત એવી કંપનીઓને આપવામાં આવી હતી જેમની નાણાકીય સ્‍થિતિ નબળી હતી, જેમનું સરનામું સમાન હતું અથવા જેમના ડિરેક્‍ટરો સમાન હતા. કેટલાક કિસ્‍સાઓમાં, અરજી અને મંજૂરીની તારીખ સમાન જોવા મળી હતી અથવા લોન મંજૂરી પહેલાં રકમ ટ્રાન્‍સફર કરવામાં આવી હતી.

SEBI એ આ કેસમાં RHFL (રિલાયન્‍સ હોમ ફાઇનાન્‍સ લિમિટેડ) વિશે ઘણી મહત્‍વપૂર્ણ માહિતી પણ ED સાથે શેર કરી છે. SEBI ના અહેવાલમાં જણાવાયું છે કે RHFL એ ૨૦૧૭-૧૮ માં રૂ. ૩,૭૪૨.૬૦ કરોડની કોર્પોરેટ લોન આપી હતી, જ્‍યારે ૨૦૧૮-૧૯ માં આ રકમ વધીને રૂ. ૮,૬૭૦.૮૦ કરોડ થઈ ગઈ.

આ સમયગાળા દરમિયાન, કંપનીએ લોન આપવાના તમામ નિયમોની અવગણના કરી. મંજૂરીઓ ઝડપથી આપવામાં આવી, જરૂરી દસ્‍તાવેજો એકત્રિત કરવામાં આવ્‍યા નહીં અને ઘણી વખત કંપનીઓની નાણાકીય સ્‍થિતિ તપાસ્‍યા વિના મોટી રકમ ટ્રાન્‍સફર કરવામાં આવી. આ લોનનો મોટો ભાગ પાછળથી પ્રમોટર જૂથની કંપનીઓને વાળવામાં આવ્‍યો, જેના કારણે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ થઈ.

(3:17 PM IST)