<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

શું ધનખરના જસ્‍ટિસ વર્મા અંગેના નિર્ણય માટે વડાપ્રધાન મોદી નારાજ હતા ? ૨ વરિષ્‍ઠ મંત્રીઓએ ફોન કર્યા હતા

રાજયસભામાં જસ્‍ટિસ વર્મા વિરૂધ્‍ધ મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાના નિર્ણયથી સરકાર આશ્‍ચર્યમાં હતી : સરકાર આ પ્રક્રિયા લોકસભા દ્વારા કરવા માંગતી હતી : ધનખરના રાજીનામા બાદ મહત્‍વનો ખુલાસો

નવી દિલ્‍હી, તા.૨૪: ઉપરાષ્‍ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખરના રાજીનામા બાદ, અટકળોનો દોર ચાલુ છે. જોકે તેમણે સ્‍વાસ્‍થ્‍યના કારણોસર રાજીનામું આપ્‍યું છે, પરંતુ વિપક્ષ આ નિર્ણયના સમય અંગે સરકારને ઘેરી રહ્યો છે. હવે એવા અહેવાલો છે કે રાજ્‍યસભામાં જસ્‍ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ લાવવા માટે વિપક્ષની નોટિસ સ્‍વીકાર્યા પછી તરત જ બે વરિષ્ઠ કેન્‍દ્રીય મંત્રીઓએ ધનખર સાથે વાત કરી હતી.

અહેવાલ મુજબ, આ બાબતથી પરિચિત લોકો કહે છે કે બે કેન્‍દ્રીય મંત્રીઓમાંથી એકે પણ સંકેત આપ્‍યો હતો કે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આ નિર્ણયથી ખુશ નથી. આના પર ધનખરે જવાબ આપ્‍યો હતો કે તેઓ નિયમોમાં રહીને કામ કરી રહ્યા છે.

અહેવાલ મુજબ, કેન્‍દ્રીય આરોગ્‍ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડા અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સોમવારે ધનખર સાથે વાત કરી હતી. હાઈકોર્ટના ન્‍યાયાધીશ વિરુદ્ધ લાવવામાં આવેલી મહાભિયોગ નોટિસ પર રાજ્‍યસભામાં ધનખડ દ્વારા બોલ્‍યા પછી આ વાતચીત થઈ હતી. આ નોટિસ પર ૬૩ સાંસદોએ હસ્‍તાક્ષર કર્યા હતા.

આ મામલાથી પરિચિત એક વ્‍યક્‍તિ કહે છે કે, રિજિજુએ ધનખડને કહ્યું હતું કે લોકસભામાં મહાભિયોગ પર સર્વસંમતિ બનાવવાની પ્રક્રિયા છે. તેમણે કહ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નોટિસ પર હસ્‍તાક્ષર કર્યા છે. તેમણે એ પણ સંકેત આપ્‍યો હતો કે પીએમ આ અચાનક વિકાસથી ખુશ નથી. જ્‍યારે, ધનખડે જવાબ આપ્‍યો કે તેઓ ગળહના નિયમોમાં કામ કરી રહ્યા છે.

એવું કહેવાય છે કે આ BAC એટલે કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની પહેલી બેઠક પછી થયું છે. સોમવારે બપોરે ૧૨:૩૦ વાગ્‍યે રાજ્‍યસભામાં નેતાઓએ ૪:૩૦ વાગ્‍યે યોજાયેલી બીજી BAC બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો હતો.

HTના અન્‍ય એક અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે રાજ્‍યસભામાં જસ્‍ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવાના નિર્ણયથી સરકાર આશ્‍ચર્યચકિત થઈ ગઈ છે. એવું કહેવાય છે કે સરકાર આ પ્રક્રિયા લોકસભા દ્વારા કરવા માંગતી હતી.

(4:14 PM IST)