<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ભારતમાં માત્ર ૨૮.૫ ટકા કેન્‍સરના દર્દીઓને રેડિયોથેરાપી મળે છે

સામાન્‍ય રીતે ૫૮.૪ ટકા કેન્‍સરના દર્દીઓને રેડિયોથેરાપીની જરૂર હોય છે પરંતુ મશીનોના અભાવે દર્દીઓ રેડિયોથેરાપી મેળવી શકતા નથીઃ આઈસીએમઆરના અભ્‍યાસમાં દાવો

નવી દિલ્‍હી,તા.૨૫:  ઇન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના તાજેતરના અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ભારતમાં ફક્‍ત ૨૮.૫ ટકા કેન્‍સરના દર્દીઓને રેડિયોથેરાપી મળે છે.

સામાન્‍ય રીતે ૫૮.૪ ટકા કેન્‍સરના દર્દીઓને રેડિયોથેરાપીની જરૂર હોય છે, પરંતુ મશીનોના અભાવે દર્દીઓ રેડિયોથેરાપી મેળવી શકતા નથી. સ્‍તન, માથું અને ગરદન, ફેફસાં અને સર્વિક્‍સના કેન્‍સરના ૬૦ ટકા કેસોમાં રેડિયોથેરાપી જરૂરી છે.

કેન્‍સરની સારવાર માટે રેડિયોથેરાપીનો ઉપયોગ થાય છે. તે ગાંઠોના ફેલાવાને નિયંત્રિત કરવામાં, શષાક્રિયા પહેલાં ગાંઠનું કદ ઘટાડવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિશ્વ આરોગ્‍ય સંગઠન (ડબલ્‍યુએચઓ) મુજબ, દર ૧૦ લાખની વસ્‍તી દીઠ ઓછામાં ઓછું એક રેડિયોથેરાપી મશીન હોવું જોઈએ. આદર્શરીતે, દર દસ લાખમાં ચાર રેડિયોથેરાપી મશીનો હોવા જોઈએ.

બીએમસી કેન્‍સર જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્‍યાસમાં જણાવાયું છે કે ભારતને ૧,૫૮૫ થી ૨,૫૪૫ રેડિયોથેરાપી મશીનોની જરૂર પડશે કારણ કે ઓછી અને મધ્‍યમ આવક ધરાવતા દેશોમાં સ્‍તન, માથા અને ગરદન અને ફેફસાના કેન્‍સરના કેસોમાં ૭૦-૧૦૦ ટકાનો વધારો થવાની ધારણા છે.

વૈશ્વિક કેન્‍સરના સાત ટકા કેસ ભારતમાં જોવા મળે છે. ચીન અને અમેરિકા પછી, ભારત કેન્‍સરથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ભારતમાં આ વર્ષના અંત સુધીમાં કેન્‍સરના કેસ ૧૫.૭ લાખ સુધી પહોંચવાની ધારણા છે,

આ અભ્‍યાસ માટે, આઈસીએમઆર-નેશનલ સેન્‍ટર ફોર ડિસીઝ ઇન્‍ફોર્મેટિક્‍સ એન્‍ડ રિસર્ચ, બેંગલુરુના સંશોધકોએ ઓસ્‍ટ્રેલિયન કોલાબોરેશન ફોર કેન્‍સર આઉટકમ્‍સ રિસર્ચ એન્‍ડ ઇવેલ્‍યુએશનના ડેટાનો ઉપયોગ કર્યો.

(10:02 AM IST)