<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

રિસોર્ટના શેઠ સિધ્‍ધેશ્વર મહાદેવ છે, હું તો માત્ર ટ્રસ્‍ટી છું : બળવંતભાઇ ધામી

સિંહની ડણક વચ્‍ચે મધુવંતિ ડેમના કાંઠે કુદરતી સૌંદર્યથી ભરપૂર આધુનિકતા અને આધ્‍યાત્‍મિકતાનો સંગમ ‘વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ' : * મેંદરડા પછી ૧૦ કિ.મી. આગળ અને સાસણ થી ૧૪ કિ.મી. પહેલા મધુવંતિ ડેમના કાંઠે ૭૭ વિઘામાં પથરાયેલા છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેસ્‍ટીનેશન વેડિંગ ‘રીસોર્ટ વિશાલ ધ ગ્રિનવુડ (લોર્ડ્‍ઝ) ' શૂન્‍યમાંથી સર્જન કરનાર બળવંતભાઇ અને તેમના પુત્ર નિખીલભાઇએ સાબિત કરી દીધુ કે વ્‍યક્‍તિનો વિકાસ સર્ટીફિકેટથી નહીં પરંતુ જીવન ઘડતરથી થાય છે. * અમે અહિ આવતા ટુરિસ્‍ટ ભગવાન માનીએ છીએ. * અહિ ૨૫૪ રૂમ, ૭ પાર્ટી પ્‍લોટ, ૩ સ્‍વીમિંગ પુલ, વોટર પાર્ક, સરાઉન્‍ડ સાઉન્‍ડ સાથેનું થિયેટર, ગેઇમ ઝોન, વોકિંગ એરિયા, ડિસ્‍કો થેક, બાળકો માટે રમવાનો એરિયા, ૩૦૦ થી લઇ ૫૦૦૦ લોકો માટે પાર્ટી પ્‍લોટ સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર વિશાલ રિસોર્ટમાં જ છે. * અહિ આવતા સંતો પાસેથી એક રૂપિયો લેવાતો નથી અને તેમની અનન્‍ય સેવા કરાય છે. * જલજીલણી ઉત્‍સવમાં ૩૦૦૦ જેટલા લોકો આવે છે. જેમાં બળવંતભાઇ ધામી જાતે રસોઇ બનાવી લોકોને જમાડે છે. * અહિ ૩૫ થી વધુ ગિરગાય રખાઇ છે. * બળવંતભાઇએ જીવનમાં એક ઉંચાઇ પ્રાપ્ત કરી છે છતાં તેઓ ધરતી પર રહી ઉદાત વિચારસરણીનું શ્રેષ્‍ઠ ઉદાહર પુરૂ પાડી રહ્યા છે. : રિસોર્ટમાં જ એક નાનકડું જંગલ છે કારણ અહિ ૧૨૦૦૦ થી પણ વધુ વૃક્ષો, ફળ, ફુલ, વેલ, નાળિયેરી, જામફળ, જાંબુ, દાડમ, સિતાફળ, લીંબુ, આંબા ઉપરાંત રંગબેરંગી ફુલો ધરાવતા વૃક્ષો પણ અસંખ્‍ય જોવા મળે છે : બળવંતભાઇ અને નિખીલભાઇ વર્ષોથી જેતપુર રહે છે અને દરરોજ જેતપુરથી રિસોર્ટ અપડાઉન કરે છે. તેમણે ૧૩ વર્ષમાં માત્ર ૩૦ જ રજા રાખી છે

જન્‍માષ્ટમી, દિવાળી અને વેકેશનમાં બે મહિના અગાઉ બુકિંગ...

ડેસ્‍ટીનેશન વેડિંગ માટે એક વર્ષ અગાઉ વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટના બુકિંગ થઇ જાય છે..

સાસણ મધ્‍યે આવેલ કુદરતના સાંનિધ્‍યમાં પથરાયેલ વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ લોકોમાં એટલો બધો ફેવરીટ છે કે જન્‍માષ્ટમી, દિવાળી અને વેકેશનમાં બે મહિના એડવાન્‍સ બુકિંગ થાય છે. જ્‍યારે ડેસ્‍ટીનેશન વેડિંગમાં બહારગામથી આવતા લોકો પણ એક વર્ષ એડવાન્‍સ બુકિંગ કરાવે છે.

રાજકોટ, તા.૧૮ : ‘શેઠ મારા શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવ'... ‘આ પ્રોપર્ટીનો માલિક હું નથી, શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવ છે. હું તો માત્ર તેમની મિલકતનું ટ્રસ્‍ટી તરીકે ધ્‍યાન રાખું છું. હું જે મારા કપરા સમયમાંથી બહાર આવ્‍યો છું તે માત્ર ઇશ્વરકૃપા જ છે. વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાં આવતા અતિથિ એ મારા ભગવાન છે.' આ શબ્‍દો છે સાસણ ગીરમાં સિહની ડણક વચ્‍ચે મેંદરડા પછી ૧૦ કિ.મી. આગળ અને સાસણ થી ૧૪ કિ.મી. પહેલા મધુવંતિ ડેમના કાંઠે ૭૭ વિઘામાં પથરાયેલા કુદરતી સૌંદર્યથી ભરપુર અને આધુનિકતા અને આધ્‍યાત્‍મિકતાનો સંગમ એવા વિશાલ ધ ગ્રીવુડ રીસોર્ટના માલિક બળવંતભાઇ જીણાભાઇ ધામીના. ૬૩ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્‍ફુર્તિ ધરાવતા બળવંતભાઇ ધામી તેમના પુત્ર નિખીલભાઇ સાથે દરરોજ જેતપુરથી અપડાઉન કરે છે. કાયમ સફેદ સફારીમાં જોવા મળતા અને એકપણ ડાઘ વિનાનું તદન સરળ, નિખાલસ અને સાવ સાદુ અને સાધુ જેવું જીવન જીવતા બળવંતભાઇએ અકિલા સમક્ષ તેઓએ તેમના સંઘર્ષથી માંડી સફળતા સુધીનો લાઇફ સ્‍કેચ ખુલ્‍લો મુક્‍યો હતો.

સાસણગીરમાં પ્રકૃતિના ખોળે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેસ્‍ટીનેશન વેડિગ રીસોર્ટ ધરાવતા બળવંતભાઇ ધામીનો જન્‍મ શ્રી કૃષ્‍ણ જન્‍માષ્ટમીએ એટલે કે ૨૨.૦૮.૧૯૬૨ માં ધોરાજીમાં થયો હતો. જોકે કર્મ ભૂમી જેતપુર છે. વર્ષ ૨૦૧૨ માં બીનખેતી કરી વર્ષ ૨૦૧૪ માં પહેલા ફેસમાં ક્‍લબ હાઉસ અને ૩૨ બંગલાથી વિશાલ રીસોર્ટની શરૂઆત થઇ. બળવંતભાઇ સ્‍વભાવે પ્રકૃતિ પ્રેમી છે. તેઓ ઇચ્‍છતા હતા કે ઘોંઘાટભર્યા જીવનથી પર થઇ ક્‍યાંક શાંતિથી જંગલમાં કુટીર બનાવીને રહેવું પણ પરિવાર વિના રહી ન શકાય એટલે નાનો રીસોર્ટ બનાવવાનું નક્કી કર્યું. પૈસા કમાવવા નહીં પણ અહિ લોકો, મિત્રો, પરિવાર આવે અને માત્ર શાંતિ મળે એટલે રિસોર્ટ કરવો હતો પણ આટલો મોટો બની જશે તેની ગણતરી નહોતી.

બળવંતભાઇના પિતા જીણાભાઇ ધામી જેમને બચુબાપા ધામી કહેતા જ્‍યારે માતા રાણીબેન વર્ષોથી જેતપુર રહેતા. જીણાભાઇ શાકભાજી વેંચી પરિવારનું ગુજરાન ચલાવતા. નિખીલભાઇ કહે છે, મારા દાદા પહેલા છુટક મજુરી કરતા પછી પીઠામાં કામ કરતા એ બાદ શાકભાજીનો વેપાર કર્યો અને પછી સીઝન પ્રમાણે શાકભાજી અને ફળ સહિત વેંચી અનહદ સંઘર્ષ કર્યો. બળવંતભાઇએ ૬ ધોરણ સુધીજ અભ્‍યાસ કર્યો છે પણ વ્‍યક્‍તિનો વિકાસ સર્ટીફિકેટથી નહીં પરંતુ જીવન ઘડતરથી થાય છે. પિતાએ બળવંતભાઇનું જીવન ઘડ્‍યું. તેઓ ૧૫ વર્ષના હતા ત્‍યારે પિતાએ ડુંગળીની ગાડી લઇ ગોધરા મોકલી દીધા હતા. એ સમયે ૨૧૦૦ રૂપિયા મળ્‍યા તેનો જે આનંદ આવ્‍યો ત્‍યારથી બળવંતભાઇએ નક્કી કર્યું કે ભણવું નથી ધંધો જ કરવો છે. પિતા પાસે કામ શિખ્‍યા બાદ કલરકામ શિખ્‍યા, કારખાનું કર્યું, રેડિમેઇડ ગારમેન્‍ટ બનાવી ખુબ સંઘર્ષ નામ કમાયા. એ પછી સમય જતાં જેતપુરમાં શહેરની મધ્‍યમાં ૨૫૦૦ સ્‍ક્‍વેર ફુટમાં મોબાઇલનો મોટો શો રૂમ કર્યો. એજ રીતે જેતપુરમાં જ ૩૬૦૦૦ સ્‍ક્‍વેર ફુટનો મોલ જ્‍યારે મોલ કલ્‍ચર નહોતું ત્‍યારે વર્ષ ૨૦૦૬ માં શરૂ કર્યો. નિખીલભાઇ ધામી કહે છે, મારા દાદા જીણાભાઇની જેમ મારા પિતા બળવંતભાઇએ પણ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. તેમણે જાતે મીઠું દળ્‍યું, માર્કેટીંગ યાર્ડ બહાર ચકી મૂકી મરચા દળીને વેંચ્‍યા. એટલે કે શૂન્‍યમાંથી જાણે સર્જન કર્યું.

 વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાંજ એક નાનકડું જંગલ છે તેમ કહીએ તો ખોટું નથી. કારણ અહિ બળવંતભાઇએ ૧૨૦૦૦ થી પણ વધુ વૃક્ષો વાવ્‍યા છે. જેમાં ફળ, ફુલ, વેલ અન્‍ય રાજ્‍યમાંથી પણ મંગાવી ઉછેરવામાં આવ્‍યા છે. રિસોર્ટમાં આવેલ દરેક કોટેજની બાજુમાં ત્રણ ફુટના વૃક્ષો વાવેલા છે. જેમાં નાળિયેરી, જામફળ, જાંબુ, દાડમ, સિતાફળ, લીંબુ, આંબા ઉપરાંત રંગબેરંગી ફુલો ધરાવતા વૃક્ષો પણ અસંખ્‍ય જોવા મળે છે. તેઓ કહે છે, આપણે પ્રકૃતિના ઘરમાં આવ્‍યા છીએ. જંગલ એ પ્રકૃતિનું છે. જો તમે પ્રકૃતિ સાથે પ્રેમ ન કરો તો પ્રકૃતિ તમારી સાથે પ્રેમ ન કરે. બળવંતભાઇ અને નિખીલભાઇ વર્ષોથી જેતપુર રહે છે અને દરરોજ જેતપુરથી રિસોર્ટ અપડાઉન કરે છે. તેમણે ૧૩ વર્ષમાં માત્ર ૩૦ જ રજા રાખી છે. થાક નથી લાગતો.? બળવંતભાઇનું કહેવું છે કે, અહિની એનર્જી એવી છે કે કદાચ હું બીમાર પડી ગયો હોવ તો અહિ આવું એટલે સ્‍વસ્‍થ થઇ જાઉં. દરરોજ મારો નિયમ છે કે હું અહિ આવું ત્‍યારે રિસોર્ટમાં પ્રવેશતા સરદાર વલ્‍લભભાઇની પ્રતિમાના ચરણ ધોઇ, પગે લાગી, અહિ આવતા જીવ માત્રને આનંદ આપજોની પ્રાર્થના કરૂ છુ.

નિખીલભાઇ ધામી કહે છે, કોરોના અમને ફળ્‍યો છે. કારણ સરકારે જ્‍યારે લગ્નમાં ૫૦ લોકોની છુટ આપી ત્‍યારે મને વિચાર આવ્‍યો કે, આપણે દોઢ લાખ રૂપિયામાં લગ્ન કરી આપીએ તો? એ વખતે સાસણમાં સમગ્ર હોટલવાળાએ સ્‍ટાફને છુટા કરી દીધા હતા જ્‍યારે અહિ ૧૨૦ લોકોનો સ્‍ટાફ હતો તેને અમે છુટા નહોતા કર્યા. લગ્નની ઓફરની વાત સોશ્‍યલ મીડિયા અને પ્રચાર-પ્રસારથી ફેલાઇ ગઇ. કોરોનામાં અહિ રહેલા સ્‍ટાફે રાત-દિવસ કામ કરવાની ખાતરી દર્શાવી અને દિલ દઇને કામ કર્યું. વિશાલ રિસોર્ટમાં જગ્‍યા મોટી હતી એટલે લગ્ન પણ વધવા લાગ્‍યા. એ પછી ડેસ્‍ટિનેશન વેડિગમાં વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટનું નામ થઇ ગયું. બળવંતભાઇ કહે છે, આજની તારીખે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ડેસ્‍ટિનેશન વેડિગ વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાં થાય છે. અમે અહિ આવતા ટુરિસ્‍ટ ભગવાન માનીએ છીએ. ફુડ હોય કે હોસ્‍પીટાલિટી હું પોતેજ ધ્‍યાન આપું છુ. કોઇ વસ્‍તુમાં બાંધછોડ કરતા નથી. ૩૨ કોટેજીસ પછી રિસોર્ટમાં ૧૫૦ રૂમ થયા. એ પછી શ્રી સિધ્‍ધેશ્વરદાદા પાસે ચીઠ્ઠી નાંખી મંજુરી લઇ ફરી ૧૨૨ રૂમનો બીજો ફાઇવ સ્‍ટાર રિસોર્ટ તૈયાર કર્યો જેને રેડિસન સંભાળશે જે દિવાળી સુધીમાં કાર્યરત થઇ જશે. જે સૌરાષ્ટ્રનો સૌપ્રથમ વેજીટેરિયન રિસોર્ટ હશે.

 વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાં એકદમ વ્‍યાજબી ભાવે રુમ આપે છે. ડબલ ભાવની સીસ્‍ટમ લાગુ કરીજ નથી. સાસણમાં સૌથી ઓછા ભાવે વધુમાં વધુ એમીનિટીઝ આપતો અને સૌરાષ્ટ્રમાં ૭૭ વિઘામા ફેલાયેલ એકમાત્ર રિસોર્ટ છે. અહિ ૨૫૪ રૂમ, ૭ પાર્ટી પ્‍લોટ છે. ૩ સ્‍વીમિગ પુલ છે. વોટર પાર્ક છે. સરાઉન્‍ડ સાઉન્‍ડ સાથેનું થિયેટર છે. ગેઇમ ઝોન, વોકિગ એરિયા, ડિસ્‍કો થેક, બાળકો માટે રમવાનો એરિયા છે. ૩૦૦ લોકો થી લઇ ૫૦૦૦ લોકો સુધી સમાઇ શકે તેવા પાર્ટી પ્‍લોટ સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર વિશાલ રિસોર્ટમાંજ છે. અહિ બાળકોથી લઇ વૃધ્‍ધો સુધી દરેક પોતાની અનુકૂળતા મુજબ આનંદ મેળવી શકે છે. ઓછા બજેટમાં ફાઇવ સ્‍ટાર સગવડો માત્ર અહિ મળે છે. સૌથી વધુ લોકો ડેસ્‍ટિનેશન વેડિગ માટે વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટની પ્રથમ પસંદગી કરે છે. વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટનું હાલ લોર્ડઝ અને રેડિસન સાથે ટાઇઅપ છે. ઉલ્‍લેખનીય છે કે, વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટને વર્ષ ૨૦૨૦ માં મોટા પ્રમાણમાં લોકોની મીટીંગ અને પ્રોગ્રામો કરવા બદલ ગુજરાત ટુરિઝમ તરફથી ‘બેસ્‍ટ વેન્‍યુ એવોર્ડ' મળ્‍યો હતો. એજ રીતે વર્ષ ૨૦૨૩ માં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે રિસોર્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી. એજ રીતે સી.આર.પાટીલે પણ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. વધુમાં ભાગવત કથાકાર પૂજ્‍ય જીગ્નેશદાદાની ગોષ્ઠીનું આયોજન પણ અહિ થયેલું. જ્‍યારે મહાદેવ પ્રસાદજી પણ અહિ પધાર્યા હતા.

 વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાં અનેક સંતોની શીબીર, પારાયણ થયા છે અને થતા રહે છે જેમાં આવનાર સંતોનો એક રૂપિયો પણ લેવાતો નથી. શીબીરમાં હરિપ્રસાદ સ્‍વામી (સોખડા), વડતાલ અને અમદાવાદના ૪૦૦ સંતો, વૈષ્‍ણવ સંપ્રદાયના સંતો સહિત કોઇપણ સંપ્રદાયના સંતો આવે તેના માટે સંપૂર્ણ વિનામુલ્‍યે રિસોર્ટ બળવંતભાઇ અને નિખીલભાઇ ફાળવે છે એટલુંજ નહીં તેની તમામ સુવિધાઓ પણ તેઓ પ્રેમથી સાચવે છે. સાથે આવતા હરિભક્‍તો પાસેથી પણ કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. તેઓ કહે છે જો કોઇ ભૂદેવ તેના સનાતન પહેરવેશમાં અહિ આવશે તેઓ તેનો પણ કોઇ ચાર્જ લેવાશે નહીં. રિસોર્ટ ખાતે ઉજવાતા જલજીલણી ઉત્‍સવમાં ૩૦૦૦ જેટલા લોકો આવે છે. જેમાં બળવંતભાઇ ધામી જાતે રસોઇ બનાવી લોકોને જમાડે છે. રિસોર્ટ બાંધકામ વખતે ૯ થી ૧૦ હજાર લોકોને બળવંતભાઇએ હાથે દાળ અને શાક બનાવી જમાડ્‍યા છે. તેઓ હાલ જવાહર રોડ પર આવેલ સ્‍વામિનારાયણ મંદિરના વાઇસ ચેરમેન અને ટ્રસ્‍ટી તરીકે પણ કાર્યરત છે. જ્‍યારે જેતપુર મંદિરના આજીવન ટ્રસ્‍ટી છે. અગાઉ તેઓ જેતપુર શહેરમાં યુવા ભાજપના પ્રમુખ, જેતપુર શહેર ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્‍યા છે.

આ રિસોર્ટમાં એક ગૌશાળા પણ બળવંતભાઇએ બનાવી છે. જ્‍યાં ૩૫ થી વધુ ગિરગાય રાખેલી છે. નવાઇની વાત એ છે કે, વેલેન્‍ટાઇન ડે જેવા દિવસે તેઓ ગૌમાતાને ગળે વળગાડે છે અને દરેક ગાયને બદામ ખવડાવે છે. જો વાછડી આવે તો તેની છઠ્ઠીની ઉજવણી પણ ધામધુમથી કરાય છે. જેને એક ઉત્‍સવ તરીકે ઉજવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા બળવંતભાઇ ધામીને વૃક્ષો વાવી અને ઉછેરવાનો પણ એટલો જ શોખ છે. હાલ ૨૦૦૦ રોપા મંગાવ્‍યા છે જે આ વખતે વાવવાના છે. દર વર્ષે ૨ થી ૩ લાખ રૂપિયાના વૃક્ષો ઉગાડવા પાછળ ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. બીજી એક ખાસવાત એ છે કે, બળવંતભાઇ પ્રકૃતિની સાથે ગરીબોની પેટપૂજા કરવાનું સત્‍કાર્ય પણ કરે છે. તેમણે એક ટીફિન માટે માણસ રાખ્‍યો છે જે આજુ બાજુના માલણકા, કેનેડીપુર અને ખોડિયાર ગામમાં એકલા રહેતા વૃધ્‍ધો કે નબળી પરિસ્‍થિતિના લોકોને દરરોજ ટીફિન પહોંચાડે છે. તેઓ કહે છે મને લોકોને પ્રેમ એટલા માટે મળે છે કે કામ માત્ર ને માત્ર મહાદેવ કરાવે છે. મારાપણાનો ભાવ ક્‍યાંય રાખ્‍યો જ નથી. દરરોજ મગભાત, પાણીવાળી મેથીની ભાજી ક્‍યારેય ઘીસોડાનું શાક એજ સાદા ખોરાક સાથે સંપૂર્ણ સાદુ જીવન જીવતા બળવંતભાઇએ જીવનમાં એક ઉંચાઇ પ્રાપ્ત કરી છે છતાં તેઓ ધરતી પર રહી ઉદાત વિચારસરણીનું શ્રેષ્‍ઠ ઉદાહર પુરૂ પાડી રહ્યા છે. 

 વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાં ૧૫૦ લોકોનો સ્‍ટાફ નહીં પણ જાણે પરિવાર છે. બળવંતભાઇ ધામીના પરિવારની વાત કરીએ તો, તેમના પત્‍નિ ચંપાબેન, પુત્ર નિખીલભાઇ તેમના પત્‍નિ મનિષાબેન અને તેમના બે બાળકો ધ્રુવીલ અને જીયા છે. જ્‍યારે દીકરી નિશાબેન વિજભાઇ બુટાણી રાજકોટ રહે છે. બળવંતભાઇ ૧૨ ભાઇ બહેન હતા જેમાંથી ૧૦ ધામમાં ગયા. હાલ બળવંતભાઇ અને મોટાભાઇ રસિકભાઇ ધામી પણ જેતપુર રહે છે. તેઓને રેડિમેડ ગારમેન્‍ટ અને મોબાઇલનું કામકાજ છે.

કાગવડ પાસે હેવન રિસોર્ટ અને વોટરપાર્ક આવેલો છે જેમાં પણ બળવંતભાઇ ધામી હિસ્‍સો ધરાવે છે. વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાં તમામ ટેક્રોલોજી અને અત્‍યાધુનિક સગવડતાઓનો સમાવેશ કરાયો છે. ભવિષ્‍યમાં મોટામા મોટું કોફી શોપ અને જીમ પણ અહિ લઇને આવવાના છે. આખા સૌરાષ્ટ્રમાં ૩૦૦ બેઠકવાળુ અધ્‍યતન રેસોરન્‍ટ પણ અહિજ આવેલું છે. હાલ વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાં આવતા ટુરિસ્‍ટ અને તમામ સ્‍ટાફ તથા રિસોર્ટની જવાબદારી જનરલ મેનેજર તરીકે કાર્યરત સુમિત શર્મા સંભાળી રહ્યા છે.

 

 

પોતાનું જીવન ટુંકાવવા માટેના સમયમાં જેમણે સિધ્‍ધેશ્વર મહાદેવે પ્રેરણા કરેલ અને તેમનું જીવન બચાવેલ એવા રાજુભાઇ હિરપરા જયશ્રી ગ્રૂપના વાતો કરતા તે થાકતા નથી

જો સિધ્‍ધેશ્વર મહાદેવે મારો હાથ ન જાલ્‍યો હોત તો...

બળવંતભાઇ કહે છે, મારા શેઠ શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવે ૨૦૧૨ માં મારો હાથ પકડી લીધો પછી છોડ્‍યો નથી. એ પાછળ મારા જીવનમાં બનેલ એક યાદગાર પ્રસંગ છે. અમે સ્‍કીમનો ધંધો કરતા. જેમાં અમારે બધાને પાછા ૪૧૦૦ રૂપિયા ચૂકવવાના હતા. એવા ૮૦૦૦ માણસોને પૈસા ચૂકવવાના હતા. એ સ્‍કીમમાંથી એક રૂપિયો અપણા ઘરમાં નહોતો રાખ્‍યો પણ તેની જમીન લઇ લેતા હતા. જમીન થઇ ગઇ મોંઘી અને કોઇ લેવાલ નહીં મંદી આવી ગઇ. જમીન ન વેંચાય તો માણસોને પૈસા આપવા કઇ રીતે? મારી પાસે સમય નહોતો અને કોઇનું પાંચિયુ પણ મારા માથે દેવાનું રહી જાય તે ગમતુ નહોતુ. મારી પાસે કોઇ વિકલ્‍પ નહોતો ત્‍યારે મારી પાસે ૧.૫ કરોડ નો વિમો હતો. ૩૫ લાખ રૂપિયાનો એક બીજો વિમો હતો. થોડુ ઘણું ચૂકવવાની સગવડ થઇ ગઇ છતાં બે મહિનાના બાકી હતા. એજ સમયમાં પહેલા મારા બાપુજી ધામમાં ગયા અને ત્‍યાર બાદ મારો ૯ વર્ષનો બાબો વિશાળ પણ ચાલ્‍યો  ગયો એટલે હું સખત તકલીફમાં હતો. કંઇપણ વિચાર્યા વિના હું જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ સ્‍વામીનારાયણ મંદિરમાં બીરાજતા શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવ સમક્ષ જઇ ખુબ રડ્‍યો. એ વખતે મેં જોયું કે હું રડતો હતો અને મહાદેવ હસતા હતા. એ સમયે જેતપુરનો ડબલ પટ્ટીનો રોડ હતો. એ વખતે હું નક્કી કરીને ગયો હતો કે જે સામે વાહન આવતું હોય તેમાં સામે ગાડી નાંખી દેવી જેથી વિમો પાકે. સાથે કામ કરતા વર્ષોજુના પ્રવિણભાઇને કહીને નીકળ્‍યો હતો કે કદાચ મારો અકસ્‍માત થાય તો વિમો આ રીતે લીધેલો છે. બીજી તરફ મંદિરથી બહાર નીકળ્‍યો ત્‍યાં મારા મિત્રનો ફોન આવ્‍યો અને કહ્યું કે જયશ્રી ડાઇંગવાળા રાજુભાઇ બોલાવે છે. (મને નવજીવન આપનાર જેતપુરના જયશ્રી ડાઇંગવાળા રાજુભાઇ હિરપરાનો ઉપકાર આજીવન ભુલાય તેમ નથી) હું ગયો તેમણે મને તકલીફ વિશે પૂછયુ એટલે મેં બધી વાત કરી. જમીન વેંચવા જણાવ્‍યું.

 રાજુભાઇએ ખુબ પૂછતા મેં આપઘાતનું જણાવ્‍યું. રાજુભાઇએ કહ્યું મરી જવું તે આનો ઉપાય નથી. એ વખતે ૨.૮૫ કરોડની જરૂર હતી. રાજુભાઇએ કોઇપણ લખાણ કે સહિ વિના તાત્‍કાલિક ૨૦ લાખ રૂપિયા સેલ્‍ફનો ચેક આપ્‍યો અને કહ્યું બાકીની પૈસાની જવાબદારી મારી પણ તમારે મરવાનું નથી. લોકોને ખબર પડી કે રાજુભાઇએ બળવંતભાઇનો હાથ પકડ્‍યો છે એટલે જે જમીન વેંચાતી નહોતી તે વેચાઇ ગઇ અને કરજ ચૂકવાઇ ગયું. બળવંતભાઇ કહે છે ત્‍યારે મને ખબર પડી કે મને બચાવનાર માત્ર શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવ છે. દાદાએ મારો હાથ પકડ્‍યો એ પછી મેં કયારેય પાછુ વાળી જોયું નથી.

 

અકિલા સાથે આત્‍મિય નાતો...

સાસણ પાસે વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ (લોર્ડ્‍સ) ના માલિક બળવંતભાઇને અકિલા સાથે આત્‍મિય નાતો છે. તેઓ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને પિતા તુલ્‍ય માને છે. બળવંતભાઇ કહે છે, બહુ ઓછા લોકો હોય જેની સાથે અંદરથી પ્રેમ હોય જેમાં શ્રી કિરીટકાકા એવા છે જેમની સાથે મને એટલો પ્રેમ છે કે જ્‍યારે પણ કાકા આવે ત્‍યારે હું આખા સ્‍ટાફને સુચના આપી દઉં કે જોઇ લેજો મારા બાપ આવે છે. આગતા સ્‍વાગતામાં કોઇ કચાસ રહેવી ન જોઇએ. મારા જીવનમાં ત્રણ-ચાર લોકો એવા છે જેમને હું અત્‍યંત માનું છુ એમાંના શ્રી કિરીટકાકા એક છે. બળવંતભાઇને અકિલા સાથે આત્‍મિયતાનો નાતો રહ્યો છે. તેમને નવજીવન આપનાર જેતપુરના જયશ્રી ડાઇંગવાળા રાજુભાઇ હિરપરાને પણ તેઓ માને છે.

 

રિસોર્ટ પરિસરમાં જ નિર્માણ પામશે ૬૦ ફુટ ઉંચુ સનાતન સ્‍વામિનારાયણ મંદિર

સાસણમાં વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ બીજા કરતા અલગ છે કારણ કે અહિ આવતા ટુરિસ્‍ટ અહિના માલિકો માટે ભગવાન છે. અહિ સનાતન સ્‍વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. જેથી અહિ દરેક સનાતન ધર્મના લોકો આવી શકે. બળવંતભાઇ ધામી કહે છે, આ મંદિરમાં શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવ, રાધારમણ દેવ, હરિકૃષ્‍ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને રણછોડરાયજી મહારાજનું સ્‍થાપન કરાશે. મંદિરનું નિર્માણ રિસોર્ટ પરિસરમાં જ થઇ રહ્યું છે. ઓટેથી ૫૧ ફુટ પણ કુલ જમીનથી ૬૦ ફુટ ઉંચુ મંદિર નિર્માણ પામશે. બળવંતભાઇ આધ્‍યાત્‍મિક ક્ષેત્રમાં પણ એટલોજ રસ ધરાવે છે. સંતો-મહંતોને પ્રેમથી આવકારે છે અને સેવા પણ એટલીજ કરે છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોને કંઇપણ કામ હોય નિખીલભાઇને કહી દે છે. ગયા અઠવાડિયે રિસોર્ટમાંજ સંતો અને પાર્ષદો તથા હરિભક્‍તો આવેલા હતા. પાંચ દિવસની ઘર સભામાં સત્‍સંગ પારાયણ હતા જેમાં આવેલા તમામ સંતો અને હરિભક્‍તોને એક પણ રૂપિયો લીધા વિના તમામ સગવડતા ધામી પરિવારે વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટમાંજ સંભાળી હતી.

બળવંતભાઇ ધામીનું કહેવું હતુ કે આજની તારીખે જેતપુરમાં હું ૧૨૫ વારના મકાનમાં રહુ છુ. હું ધારત તો બંગલામાં રહી શક્‍યો હોત પણ મે નિર્ધાર કર્યો હતો કે જ્‍યાં સુધી હું ઠાકોરજીનું મંદિર ન બનાવું ત્‍યાં સુધી હું મારું મકાન નહિ બનાવું. ઠાકોરજીને એસી રૂમમાં રાખુ તોજ હું મારા ઘરમાં એસીમાં રહી શકુ.

                             
:
આલેખન :

પ્રશાંત બક્ષી (રાજકોટ)

: તસવીર :

રમેશ ટંકારિયા (રાજકોટ)

: સહયોગ :

વિનુ જોશી (જૂનાગઢ)

જયેશ ભટ્ટાસણા (ટંકારા)

 

 

: વિશેષ વિગત માટે સંપર્ક :

વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટ

મધુવંતિ ડેમ પાસે,

મેંદરડા-સાસણ રોડ,

માલણકા (ગિર) ગામ.

" નિખીલભાઇ ધામી"

૯૮૯૮૧૨૧૨૧૭ /૯૭૩૭૧૪૩૩૧૧

(4:50 PM IST)