News of Saturday, 26th July 2025
'હું પણ એક માતા છું, આ દુર્ઘટના સપનાનો અંત છે': ઝાલાવાડ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળીને વસુંધરા રાજે ભાવુક થયા!
"ઘરના દીવાઓ જ બુઝાઈ ગયા. હવે અમે જીવીને શું કરીશું?" સાંભળીને પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, "દુઃખની આ ઘડીમાં અમે બધા પીડિત પરિવારોની સાથે ઊભા છીએ."

ઝાલાવાડ, રાજસ્થાન : રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં આવેલી સરકારી શાળામાં છત ધરાશાયી થવાને કારણે થયેલી દુર્ઘટનાથી સમગ્ર રાજ્ય આઘાતમાં છે. આ કરુણ ઘટનામાં 7 નિર્દોષ બાળકોના મોત થયા છે અને 27 થી વધુ ઘાયલ થયા છે. આ દુર્ઘટનાના પગલે, શનિવારે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા બાળકોના પરિવારોને મળીને તેમની સાથે શોક વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન વસુંધરા રાજે અત્યંત ભાવુક બન્યા હતા અને તેમના આંસુ રોકી શક્યા નહોતા.
માતા તરીકેનો દર્દ: 'આ સપનાનો અંત છે'
પીડિત પરિવારો સાથે વાતચીત કરતા વસુંધરા રાજેએ જણાવ્યું, "હું તમારા લોકોનું દર્દ અનુભવી શકું છું, કારણ કે હું પણ એક માતા છું. હું સમજી શકું છું કે એક માતા પોતાના સંતાનને કેવી રીતે પાળી-પોષીને મોટા કરે છે."
તેમણે ઉમેર્યું કે, "આ એક એવું દર્દ છે, જેની કોઈ સીમા નથી. માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્યના સપના જુએ છે કે મારું બાળક મોટું થઈને આ બનશે-તે બનશે. આ દુર્ઘટના તે સપનાનો અંત છે, જે માતા-પિતા અને તે બાળકોએ જોયા હતા."
કાન્હા અને મીના નામના ભાઈ-બહેન સહિત સાત બાળકોના અકાળ અવસાનથી વ્યથિત પરિવારોની ચીસો સાંભળીને રાજે પોતાના આંસુ રોકી શક્યા નહોતા. આ એક પરિવારમાં બે જ બાળકો હતા, અને બંને આ અકસ્માતમાં ગુમાવી દીધા.
પરિજનોની વેદના અને વસુંધરા રાજેના નિર્દેશો:
પરિજનોએ રાજેને પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું, "ઘરના દીવાઓ જ બુઝાઈ ગયા. હવે અમે જીવીને શું કરીશું?" આ સાંભળીને પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, "દુઃખની આ ઘડીમાં અમે બધા પીડિત પરિવારોની સાથે ઊભા છીએ."
મુલાકાત બાદ વસુંધરા રાજેએ સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક નિર્દેશ આપ્યા કે, "આ પરિવારોના ઘર કાચા છે. આ ઘરોને કોઈપણ સરકારી યોજના હેઠળ જલદીથી પાકા કરાવવામાં આવે. આમાં કોઈપણ પ્રકારની ઢીલ ન રાખવામાં આવે. આ પરિવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ."
તેમણે જિલ્લાના પ્રભારી રવિ જૈનને પણ સૂચના આપી કે મૃતકના પરિવારોને કોઈપણ સરકારી યોજનામાં પાકા આવાસ બનાવી આપવામાં આવે. ત્યારબાદ તેઓ મનોહર થાણા પહોંચ્યા, જ્યાં સરકારી સામુદાયિક ચિકિત્સાલયમાં સારવાર લઈ રહેલા ઘાયલોને મળ્યા. વસુંધરા રાજે ડોકટરોને તેમના ઈલાજમાં જરા પણ બેદરકારી ન દાખવવાનો નિર્દેશ આપ્યો.
આ દુર્ઘટનાએ ઝાલાવાડમાં ગમગીનીનો માહોલ સર્જ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીની આ ભાવુક મુલાકાત પીડિત પરિવારો માટે થોડી રાહત અને આશા લાવશે તેવી અપેક્ષા છે. આવા અકસ્માતો ભવિષ્યમાં ન બને તે માટે કડક પગલાં લેવાવા જોઈએ,
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
