<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

PAN 2.0 ડાઉનલોડ કરવાના નામે ઈમેલ આવે તો ચેતજો : ભારત સરકારે નવા ફિશિંગ સ્કેમ અંગે ચેતવણી જાહેર કરી

આ સ્કેમમાં યુઝર્સનો પર્સનલ ડેટા, બેંકની વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતીઓ ચોરાઈ રહી છે. યુઝરની એક નાની ભૂલ તેમનું આખું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે

નવી દિલ્હી : માર્કેટમાં એક નવો સ્કેમ આવ્યો છે. ભારત સરકારે નવા ફિશિંગ સ્કેમ અંગે ચેતવણી જાહેર કરી છે. આ સ્કેમમાં યુઝર્સને PAN 2.0 ડાઉનલોડ કરવાના નામે ફસાવવામાં આવી રહ્યા છે. સ્કેમર્સ ઈ-મેલ દ્વારા યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. આ સ્કેમમાં યુઝર્સનો પર્સનલ ડેટા, બેંકની વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતીઓ ચોરાઈ રહી છે. યુઝરની એક નાની ભૂલ તેમનું આખું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. માર્કેટમાં દરરોજ નવા-નવા પ્રકારના સ્કેમ આવે છે. ક્યારેક નોકરીની લાલચ આપીને, તો ક્યારેક પૈસા ડબલ કરવાની લાલચ આપીને લોકોને ફસાવવામાં આવે છે. ચાલો, PAN 2.0 સ્કેમ વિશે જાણીએ અને તેનાથી બચવાની રીત પણ સમજીએ.

   બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ફિશિંગ ઈ-મેલ [email protected] જેવા ઈ-મેલ એડ્રેસથી મોકલવામાં આવે છે. આ ઈ-મેલમાં લખેલું હોય છે કે "તમારું PAN 2.0 કાર્ડ મેળવો (Get your PAN 2.0 Card)." આ ઈ-મેલમાં એવી લિંક હોય છે, જે દેખાવમાં સરકારી પોર્ટલની લિંક જેવી જ લાગે છે. પરંતુ જેવા તમે આ લિંક પર ક્લિક કરો, તે તમને તરત જ ફેક વેબસાઇટ્સ પર રીડાયરેક્ટ કરે છે.

 

ત્યાર બાદ આ ફેક વેબસાઈટ તમારી પાસેથી તમારો પાન નંબર, આધાર કાર્ડની વિગતો, બેંક એકાઉન્ટની વિગતો અને અન્ય પર્સનલ માહિતી માંગશે. જ્યારે તમે તમારી વિગતો દાખલ કરશો, તરત જ તમારો આ ડેટાનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી માટે કરવામાં આવશે. આ કારણે જો તમને પણ આવો કોઈ ઈ-મેલ આવે તો તેના પર ક્લિક ન કરો. 

પોસ્ટ કરીને લોકોને ચેતવણી આપી
PIB ફેક્ટ ચેક યુનિટે સોશિયલ મીડિયા પર આ ઈ-મેલ વિશે પોસ્ટ કરીને લોકોને ચેતવણી આપી છે. તેમણે લખ્યું છે, "સ્કેમ એલર્ટ! શું તમને કોઈ એવો ઈ-મેલ મળ્યો છે, જેમાં તમને તમારું ઈ-પેન કાર્ડ ડાઉનલોડ કરવા માટે કોઈ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું હોય? આ ઈ-મેલ નકલી છે." આ જ રીતે, આવકવેરા વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે આવકવેરા વિભાગ ક્યારેય આ પ્રકારના મેસેજ મોકલતું નથી. અસલી પાન કાર્ડ સેવાઓ ફક્ત .gov.in અથવા .nic.in એક્સટેન્શનવાળી સત્તાવાર વેબસાઇટ્સ પર જ ઉપલબ્ધ છે.

સ્કેમથી બચવા માટે આટલું ધ્યાન રાખો
- બેંક ખાતાની વિગતો, પાસવર્ડ, OTP, અથવા આધાર કાર્ડ જેવી સંવેદનશીલ માહિતી કોઈની સાથે શેર ન કરો, ખાસ કરીને અજાણ્યા લોકો સાથે.
- ઈમેલ, SMS, અથવા WhatsApp પર આવેલી અજાણી લિંક્સ પર ક્લિક ન કરો, કારણ કે તે ફિશિંગ સ્કેમ હોઈ શકે છે.
- "ફ્રી ગિફ્ટ" અથવા "મોટી કમાણી"ની લાલચ આપતી ઓફરથી સાવધાન રહો.
- ઓનલાઈન ખરીદી કે ટ્રાન્ઝેક્શન માટે HTTPS:// અને લોક આઈકોનવાળી વેબસાઈટનો ઉપયોગ કરો.
- અજાણ્યા નંબરથી આવતા કોલ્સ, જે બેંક, સરકાર, અથવા કોઈ કંપનીના નામે તમારી માહિતી માંગે, તેનાથી સાવધ રહો.
- બેંક કે કોઈ સંસ્થાને સંપર્ક કરવા માટે હંમેશા તેમની સત્તાવાર વેબસાઈટ અથવા નંબરનો ઉપયોગ કરો.
- તમારા ફોન અને કમ્પ્યુટરનું સોફ્ટવેર અને એન્ટિવાયરસ હંમેશા અપડેટ રાખો.
- જો તમને સ્કેમનો શિકાર થયાની શંકા હોય, તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ (cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવો  

(10:39 PM IST)