<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

પાકિસ્તાનમાં ભયંકર માર્ગ અકસ્માત: ઇસ્લામાબાદથી લાહોર જતી બસ ખીણમાં ખાબકી: 9 લોકોના મોત : 30 લોકો ઘાયલ

પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં બાલકાસર નજીક બસ ઊંડી ખિણમાં ખાબકી : બસનું એક ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને વાહન પલટી જઈ ખાડામાં પડી ગયું

પાકિસ્તાનમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો છે. રવિવારે થયેલા આ બસ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ અકસ્માત અંગે માહિતી આપી છે. બસ ઇસ્લામાબાદથી લાહોર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં બાલકાસર નજીક બસ ઊંડી ખિણમાં ખાબકી હતી. બસમાં અંદાજીત 40 થી વધુ મુસાફરો સવાર હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

પાકિસ્તાનમાં બસ અકસ્માત અંગે ચકવાલ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બસનું એક ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન પલટી ગયું અને ખાડામાં પડી ગયું. ચકવાલ જિલ્લા આરોગ્ય સત્તામંડળ (DHA) ના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. સઈદ અખ્તરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 9 લોકો માર્યા ગયા અને 30 અન્ય ઘાયલ થયા છે. આ અકસ્માતમાં 8 મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકોમાં બસ ડ્રાઇવર પણ સામેલ છે. ઘાયલોને ચકવાલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે અકસ્માતમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી મરિયમ નવાઝે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. 

તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલ મહિનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા. જરાનવાલામાં એક પેસેન્જર બસ અને થ્રી વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો. બસ જરાનવાલાથી લાહોર જઈ રહી હતી ત્યારે તે થ્રી વ્હીલર સાથે અથડાઈ હતી. ખરાબ રસ્તાઓ, સલામતી જાગૃતિનો અભાવ અને ટ્રાફિક નિયમોનું અજ્ઞાન ઘણીવાર પાકિસ્તાનમાં જીવલેણ અકસ્માતો તરફ દોરી જાય છે.

 

(9:11 PM IST)