<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

સૈફ અલી ખાન, તબ્બુ અને નીલમની મુશ્કેલી વધી :રાજસ્થાન સરકારે હાઈકોર્ટમાં કરી અરજી

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલો બહુચર્ચિત કાંકણી કાળિયાર શિકાર કેસ ફરી એકવાર ચર્ચામાં: આ મામલો ફરી હાઇકોર્ટમાં પહોંચ્યો: "લીવ ટુ અપીલ" અરજી પર આવતીકાલે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થશે

મુંબઈ :  બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલો બહુચર્ચિત કાંકણી કાળિયાર શિકાર કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે આ કેસ એટલા માટે ચર્ચામાં આવ્યો છે, કારણ કે રાજસ્થાન સરકારે સહ-આરોપીઓ સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહને નીચલી અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા, તેની સામે હાઈકોર્ટમાં "લીવ ટુ અપીલ"  કરી છે.

   રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી "લીવ ટુ અપીલ"  અરજી પર આવતીકાલે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. આ સુનાવણી રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયધીશ મનોજ ગર્ગની બેન્ચમાં થશે. આ મામલો મુખ્ય વાદ સૂચિમાં ક્રમાંક 60 પર નોંધાયો છે. સરકારનું માનવું છે કે, જે સહ-આરોપીઓને ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા, તે નિર્ણય યોગ્ય નહોતો, કારણ કે તેમની સામે પૂરતા પુરાવા હતા. સરકારે હવે હાઈકોર્ટને વિનંતી કરી છે કે આ નિર્ણયની સમીક્ષા કરવામાં આવે અને સહ-આરોપીઓ સામે અપીલની મંજૂરી આપવામાં આવે 

    જ્યારે કોઈ કેસમાં નીચલી અદલાતે ચુકાદો સંભળાવી દીધેલો હોય છે અને તેની સામે સીધી ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકાતી નથી, ત્યારે લીવ ટુ અપીલ એટલે કે "અપીલની મંજૂરી" માંગવામાં આવે છે. જો કોર્ટને લાગે કે મામલો ગંભીર છે અથવા તેની ફરીથી તપાસ થવી જોઈએ, તો તે અપીલ સાંભળવાની મંજૂરી આપે છે

    આ મામલો 1998ના કાળા હરણના શિકાર કેસ (કાળિયારના શિકારનો કેસ) સાથે સંબંધિત છે, જેમાં સલમાન ખાન અને તેમના સાથીઓ પર આરોપ હતો કે તેમણે બોલિવૂડ ફિલ્મ "હમ સાથ સાથ હૈ"ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કર્યો હતો. આ કેસમાં સલમાન ખાનને સજા થઈ હતી, પરંતુ તેમની સાથેના અન્ય સહ-આરોપીઓ – સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહને નીચલી અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. હવે રાજ્ય સરકારે નીચલી કોર્ટના ચુકાદાને પડકારીને હાઈકોર્ટમાં તેમની સામે ફરીથી સુનાવણીની માંગ કરી છે

 

(11:26 PM IST)