<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

હોમિયોપથી, આયુર્વેદ, એલોપથી દવાઓથી સારવારનો પ્રયાસ કર્યો; પરંતુ કંઈ ફાયદો ન થયો

દોઢ વર્ષથી જિદ્દી ઉધરસ મટતી નહોતી, એ પછી ચેટજીપીટીએ સેકન્‍ડોમાં ઇલાજ બતાવી દીધો

 

મુંબઇ તા.૨૮: શ્રેયા નામની એક યુઝરે સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ પરની એક પોસ્‍ટમાં જણાવ્‍યું હતું કે મારી મમ્‍મીની રહસ્‍યમય અને લાંબા સમયથી ચાલતી બીમારી પાછળના સંભવિત કારણને ઓળખવામાં ચેટજીપીટીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રેયાએ લખ્‍યું હતું કે ‘મારી મમ્‍મીને દોઢ વર્ષથી સતત ઉધરસ હતી. અમે ટોચના ડોક્‍ટરોને મળ્‍યા; શહેરની અને બહારની મોટી હોસ્‍પિટલોમાં ગયા; હોમિયોપથી, આયુર્વેદ, ઍલોપથી દવાઓથી સારવારનો પ્રયાસ કર્યો; પરંતુ કંઈ મદદ મળી નહીં. સ્‍થિતિ વધુ ખરાબ થઈ, મમ્‍મીને આંતરિક રક્‍તસ્રાવ શરૂ થયો. ડોક્‍ટરોએ કહ્યું કે જો આ ૬ મહિના સુધી ચાલુ રહેશે તો એ જીવલેણ બની શકે છે.

થાકેલી શ્રેયાએ ચેટજીપીટીમાં તેની મમ્‍મીનાં લક્ષણોનું વિગતવાર વર્ણન કર્યું અને સેકન્‍ડોમાં એઆઇ ચેટબોટે શક્‍ય કારણોની યાદી સૂચવી અને એમાંથી બ્‍લડ-પ્રેશર (બીપી)ની દવાની આડઅસર બહાર આવી. શ્રેયા ફરી ડોક્‍ટરોને મળી અને ડોક્‍ટરોએ પણ દવાની આડઅસરની વાત સ્‍વીકારી અને દવા બદલી દીધી. હવે શ્રેયાની મમ્‍મીને સારું લાગી રહ્યું છે. શ્રેયાએ તેની પોસ્‍ટમાં લખ્‍યું હતું કે મારી મમ્‍મી આખરે સાજી થઈ રહી છે.(૩૮.૫)

(9:47 AM IST)