<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

દિલ્‍હીના ત્રણ ઉમેદવારો છે ‘ઠન ઠન ગોપાલ': શૂન્‍ય છે સંપત્તિ છતાય લડે છે ચૂંટણી

ADRનો રિપોર્ટ

નવી દિલ્‍હી, તા.૨૮: દિલ્‍હી વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. નેતાઓ ચૂંટણી વચનોની યાદી સાથે રસ્‍તાઓ પર પ્રચાર કરી રહ્યા છે. તેમજ નોમિનેશન પ્રક્રિયા પણ ચાલી રહી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR)ના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ખુલાસો થયો છે કે ચૂંટણીમાં ૩ ઉમેદવારો એવા છે જેમની સંપત્તિ શૂન્‍ય છે.

શબાના, નેશનલ રિપબ્‍લિકન પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી શબાનાએ પોતાના સોગંદનામામાં શૂન્‍ય સંપત્તિ જાહેર કરી છે. તે દિલ્‍હીની સીલમપુર બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. મુસ્‍લિમ બહુમતી ધરાવતી આ બેઠક પર આમ આદમી પાર્ટી છેલ્લી બે ચૂંટણીઓમાં મોટા માર્જિનથી જીત મેળવી રહી છે. ૨૦૧૫માં મોહમ્‍મદ ઇશરાક અહીંથી જીત્‍યા હતા અને ૨૦૨૦માં અબ્‍દુલ રહેમાન જીત્‍યા હતા.

યોગેશ કુમાર, દિલ્‍હીની ૭૦ વિધાનસભા બેઠકોમાંથી એક, મટિલિયા, આમ આદમી પાર્ટીનો ગઢ કહી શકાય. ૨૦૧૫ અને ૨૦૨૦માં, ગુલાબ સિંહ યાદવે પાર્ટીની ટિકિટ પર મોટા માર્જિનથી જીત મેળવી હતી. ૨૦૨૫માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર યોગેશ કુમાર પણ ચૂંટણી મેદાનમાં છે, જેમણે ભારતના ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામામાં શૂન્‍ય સંપત્તિ જાહેર કરી છે.

મોહિન્‍દર સિંહ, મોહિન્‍દર સિંહનું નામ પણ એવા ઉમેદવારોમાં સામેલ છે જેમણે શૂન્‍ય સ્‍થાવર અને જંગમ સંપત્તિ જાહેર કરી છે. તેઓ રાષ્‍ટ્રીય રાષ્‍ટ્રવાદી પાર્ટીની ટિકિટ પર મટિયાલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મટિયાલા પશ્‍ચિમ દિલ્‍હી લોકસભા મતવિસ્‍તાર હેઠળ આવે છે.

અબજોપતિ ઉમેદવારો, દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવાર કરનૈલ સિંહ છે, જે શકુર બસ્‍તીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કુલ ૨૫૯ કરોડ ૬૭ લાખ ૩૬ હજાર ૦૯૦ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ યાદીમાં બીજા ક્રમે મનજિંદર સિંહ સિરસા છે, જેમની પાસે ૨૪૮ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે અને તેઓ ભાજપની ટિકિટ પર રાજૌરી ગાર્ડનથી ચૂંટણી લડી રહ્યા છે. ત્રીજા સૌથી ધનિક ઉમેદવાર કોંગ્રેસના નેતા ગુરચરણ સિંહ છે, જે કળષ્‍ણનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ૧૩૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારો, ADR રિપોર્ટ મુજબ, આ યાદીમાં અપક્ષ ઉમેદવાર અશોક કુમાર ટોચ પર છે. તેઓ આંબેડકર નગરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે કુલ ૬,૫૮૬ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ યાદીમાં નવી દિલ્‍હીથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર અનિતાનો પણ સમાવેશ થાય છે. તેમની કુલ સંપત્તિ ૯,૫૦૦ રૂપિયા છે.

(11:52 AM IST)