<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

'શું અમે અમારી અર્થવ્યવસ્થા બંધ કરી દઈએ?' - રશિયન તેલ આયાત પર સવાલ કરનાર પશ્ચિમી પત્રકારને ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીનો સણસણતો જવાબ!

ઘણા યુરોપિયન દેશો દુર્લભ ખનિજો અને ઊર્જા ઉત્પાદનો (જોકે કદાચ તેલ નહીં) એ દેશો પાસેથી ખરીદી રહ્યા છે જેમાંથી તેઓ ભારતને ખરીદવાની ફરમાવે છે મનાઈ

નવી દિલ્હી : રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયા પાસેથી ભારતીય તેલની ખરીદીને લઈને પશ્ચિમી દેશો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતા સવાલોનો ભારતના યુકે સ્થિત હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જડબાતોડ જવાબ આપ્યો છે! બ્રિટિશ રેડિયો સ્ટેશન 'ટાઈમ્સ રેડિયો' સાથેની વાતચીતમાં એક પશ્ચિમી પત્રકારે ભારતની રશિયન તેલ આયાત અંગે સવાલ ઉઠાવતા, દોરાઈસ્વામીએ તેમને આકરો સવાલ કર્યો, "તમે શું ઈચ્છો છો કે અમે શું કરીએ? અમારી અર્થવ્યવસ્થા બંધ કરી દઈએ?"
 
'આયર્ની' પર ભાર મૂક્યો: યુરોપ એ જ સ્ત્રોતમાંથી ખરીદે છે જે ભારતને નકારે છે!
વિક્રમ દોરાઈસ્વામીએ પશ્ચિમી દેશોની 'આયર્ની' (વિરોધાભાસ) પર પ્રકાશ પાડ્યો. તેમણે નિર્દેશ કર્યો કે ઘણા યુરોપિયન દેશો આજે પણ દુર્લભ ખનિજો અને અન્ય ઊર્જા ઉત્પાદનો (જોકે કદાચ તેલ નહીં) એ જ દેશો પાસેથી ખરીદી રહ્યા છે જેમાંથી તેઓ ભારતને ખરીદવાની મનાઈ ફરમાવે છે.

દોરાઈસ્વામીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત વિશ્વમાં ઊર્જાનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને તેની 80% થી વધુ ઊર્જા જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે.
 
રશિયા સાથેના સંબંધો પર દોરાઈસ્વામીના ત્રણ મુખ્ય મુદ્દા:
પત્રકારે જ્યારે ભારત અને રશિયાના 'નજીકના સંબંધો' અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેના જોડાણ વિશે પૂછ્યું, ત્યારે ભારતીય હાઈ કમિશનરે ત્રણ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા:
1.    લાંબા સમયનો સુરક્ષા સંબંધ: "અમારા સંબંધો ઘણા માપદંડો પર આધારિત છે. તેમાંથી એક અમારો લાંબા સમયથી ચાલતો સુરક્ષા સંબંધ છે, જે એવા યુગથી શરૂ થયો છે જ્યારે અમારા કેટલાક પશ્ચિમી ભાગીદારો અમને હથિયારો વેચતા ન હતા, પરંતુ અમારા પડોશી દેશોને વેચતા હતા, જેઓ તેનો ઉપયોગ ફક્ત અમારા પર હુમલો કરવા માટે કરતા હતા."
2.    ઊર્જા સંબંધોનું વાસ્તવિકતા: "બીજું, આજે અમારો એક ઊર્જા સંબંધ છે, જેનું પરિણામ એ છે કે બીજા બધા એવા સ્ત્રોતોમાંથી ઊર્જા ખરીદી રહ્યા છે જ્યાંથી અમે પહેલા ખરીદતા હતા. તેથી, અમને ઊર્જા બજારમાંથી મોટાભાગે વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને કિંમતો વધી ગઈ છે." આ મુદ્દા પર ભાર મુકતા તેમણે ફરી પૂછ્યું, "અમે વિશ્વમાં ઊર્જાના ત્રીજા સૌથી મોટા ઉપભોક્તા છીએ અને અમે અમારા ઉત્પાદનનો 80% થી વધુ ભાગ આયાત કરીએ છીએ. તમે શું ઈચ્છો છો કે અમે શું કરીએ? અમારી અર્થવ્યવસ્થા બંધ કરી દઈએ?"
3.    વ્યવહારિક સંબંધોની અપેક્ષા: "ત્રીજું, અમે અમારી આસપાસ એવા સંબંધો પણ જોઈએ છીએ જે અન્ય દેશો તેમની સુવિધા માટે એવા દેશો સાથે જાળવી રાખે છે જે અમારા માટે મુશ્કેલીનો સ્ત્રોત છે. શું અમે તમને વફાદારીની એક નાનકડી કસોટી આપવાનું કહીએ છીએ?"
 
યુરોપિયન યુનિયન પણ ભારત પાસેથી રિફાઈન્ડ ઓઈલ ખરીદે છે!
યુરોપિયન યુનિયન દ્વારા રશિયન તેલ પર લાદવામાં આવેલા પ્રતિબંધોની ભારતીય રિફાઇનરીઓ પર અસર અંગેના પ્રશ્નના જવાબમાં દોરાઈસ્વામીએ નિર્દેશ કર્યો કે, ભારત વિશ્વમાં ઊર્જાનો ચોથો સૌથી મોટો રિફાઇનર છે, અને યુરોપના ઘણા દેશો ભારત પાસેથી રિફાઈન્ડ તેલ ખરીદે છે. ઉલ્લેખનીય છે કે, યુરોપિયન યુનિયને રશિયન ક્રૂડમાંથી પ્રોસેસ થયેલા ઇંધણ પર પ્રતિબંધ લગાવ્યો છે, જે આવતા વર્ષે 21 જાન્યુઆરીથી અમલમાં આવશે.

વિક્રમ દોરાઈસ્વામીના આ નિવેદનોએ વૈશ્વિક મંચ પર ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને તેના રાષ્ટ્રીય હિતોના રક્ષણનો મજબૂત સંદેશો આપ્યો છે.

(7:59 PM IST)