News of Monday, 28th July 2025
બેંકમાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ હવે દેશની 6 સરકારી બેન્કોએ ગ્રાહકોને આપી રાહત
અનેક મોટી સરકારી બેંકોએ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ લાગતા ચાર્જને નાબૂદ કરી દીધા

નવી દિલ્હી : જો તમે પણ તમારા બેંક એકાઉન્ટમાં દર મહિને મિનિમમ બેલેન્સ જાળવી શકતા નથી અને બેંકની પેનલ્ટીથી પરેશાન છો, તો હવે તમારા માટે રાહતના સમાચાર છે. દેશની અનેક મોટી સરકારી બેંકોએ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ લાગતા ચાર્જને નાબૂદ કરી દીધા છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિક ગાળાથી સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ કોઈ ચાર્જ લાગશે નહીં. બેંકે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે. એટલે કે, જો તમારું બેલેન્સ નિર્ધારિત મર્યાદા (નક્કી કરેલી લિમિટ)થી નીચે જશે તો પણ પૈસા કપાશે નહીં.
બેંક ઓફ બરોડા
બેંક ઓફ બરોડાએ પણ 1 જુલાઈ, 2025થી તેના તમામ સ્ટાન્ડર્ડ સેવિંગ્સ એકાઉન્ટ્સ પર ન્યૂનતમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) ન રાખવા બદલ લાગતા ચાર્જ હટાવી દીધા છે. જોકે, આ છૂટ પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટને નહીં મળે. આનો અર્થ એ થયો કે સામાન્ય ખાતાધારકો હવે મિનિમમ બેલેન્સની ચિંતા વગર બેંકિંગનો આનંદ માણી શકશે.
ઈન્ડિયન બેંક
ઈન્ડિયન બેંકે પણ તેના તમામ સેવિંગ્સ એકાઉન્ટ પર ન્યૂનતમ બેલેન્સ ચાર્જ (મિનિમમ બેલેન્સ ચાર્જ)ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધા છે. આ સુવિધા 7 જુલાઈ, 2025થી લાગુ થઈ ગઈ છે. આ નિર્ણયથી ગ્રાહકોને મોટી રાહત મળી છે, ખાસ કરીને નાના ખાતાધારકોને, જેઓ દર મહિને બેલેન્સ જાળવવામાં મુશ્કેલી અનુભવતા હતા
કેનરા બેંક
કેનરા બેંકે મે 2025માં જ આ સુવિધા શરૂ કરી દીધી હતી. હવે તેના રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અને NRI એકાઉન્ટ પર પણ ન્યૂનતમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) ન રાખવા બદલ કોઈ પેનલ્ટી લાગશે નહીં.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
SBI આ બાબતે પહેલેથી જ આગળ છે. 2020થી જ SBIએ તેના તમામ સેવિંગ્સ એકાઉન્ટ્સ પર મિનિમમ બેલેન્સની શરત ખતમ કરી દીધી હતી. એટલે કે SBIના ખાતાધારકોને ઘણાં વર્ષોથી આ ટેન્શનથી મુક્તિ મળી ચૂકી છે.
બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ ઈન્ડિયાએ પણ તાજેતરમાં સેવિંગ્સ એકાઉન્ટ્સ પર મિનિમમ બેલેન્સ ન રાખવાની પેનલ્ટીને સંપૂર્ણપણે હટાવી દીધી છે. બેંકનું કહેવું છે કે આનાથી ગ્રાહકોને વધુ સુવિધા મળશે અને નાણાકીય સુગમતા (ફાઈનાન્શિયલ ફ્લેક્સિબિલિટી) વધશે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
