<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની મૃત્‍યુદંડની સજા રદ,

ગ્રાન્‍ડ મુફતીના કાર્યાલયે કરી પુષ્ટિ આપી

નવી દિલ્‍હી,તા.૨૯: યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી મૃત્‍યુદંડની સજા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ભારતના ગ્રાન્‍ડ મુફતી કંથાપુરમ એપી અબુબકર મુસલિયારના કાર્યાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્‍યું છે. સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે, યમનની સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર લેખિત પુષ્ટિ મળી નથી. નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે, નિમિષા પ્રિયાની મૃત્‍યુદંડની સજા જે અગાઉ સ્‍થગિત કરવામાં આવી હતી હવે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ગ્રાન્‍ડ મુફતીના કાર્યાલયે જણાવ્‍યું હતું કે યમનની રાજધાની સનામાં એક ઉચ્‍ચ-સ્‍તરીય બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

નિમિષા પ્રિયાનો કેસ ૨૦૧૮ થી આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચર્ચામાં છે. નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનરની હત્‍યા કરવાનો અને પછી શરીરના ટુકડા કરવાનો આરોપ છે. માર્ચ ૨૦૧૮માં તેણીને હત્‍યા માટે દોષી ઠેરવવામાં આવેલ અને ૨૦૨૦ માં યમનની એક કોર્ટે તેને મૃત્‍યુદંડની સજા ફટકારી હતી.

કેરળની ૩૪ વર્ષીય નર્સ નિમિષા પ્રિયા મૂળ પલક્કડ જિલ્‍લાની છે. ૨૦૦૮માં નિમિષા નોકરીની શોધમાં યમન ગઈ હતી. તે એક ખ્રિસ્‍તી પરિવારની છે. યમનની રાજધાની સનામાં તેણી એક સ્‍થાનિક નાગરિક તલાલ અબ્‍દો મહદીને મળી જેની સાથે તેણીએ ભાગીદારીમાં એક ક્‍લિનિક શરૂ કર્યું. થોડા સમય પછી તેમના સંબંધો તૂટી ગયા. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર મહેદીએ નિમિષાને હેરાન કરવાનું શરૂ કર્યું અને જાહેરમાં પોતાને તેનો પતિ કહેવાનું શરૂ કર્યું. એટલું જ નહીં તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો જેથી તે ભારત પાછી ન ફરી શકે

યમનના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર નિમિષાએ ૨૦૧૭માં પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહદીને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયાસ ઘાતક સાબિત થયો કારણ કે મહદીનું મૃત્‍યુ સંભવિત એનેસ્‍થેસીયાના ઓવરડોઝથી થયું હતું. આ પછી યમનના અધિકારીઓએ તેની ધરપકડ કરી. ૨૦૧૮માં તેને હત્‍યાનો દોષી ઠેરવવામાં આવી અને કોર્ટે તેને મૃત્‍યુદંડની સજા ફટકારી.

ડિસેમ્‍બર ૨૦૨૪માં યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમીએ ફાંસીની મંજૂરી આપી ત્‍યારે પરિસ્‍થિતિ વધુ ગંભીર બની ગઈ અને જાન્‍યુઆરી ૨૦૨૫ માં હુતી બળવાખોર નેતા મહદી અલ-મશાતે પણ તેની પુષ્ટિ કરી. આ પછી ભારતમાં ધાર્મિક અને રાજદ્વારી સ્‍તરે તેમને બચાવવાના પ્રયાસો તેજ થયા હતા.

(10:21 AM IST)