News of Tuesday, 29th July 2025
જે દેશો સાથે કોઈ વેપાર કરાર નથી તેમના પર ૧૫-૨૦% ટેરિફ લાદવામાં આવશે
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા એવા બધા દેશો પર સમાન ટેરિફ લાદશે જેમણે અમેરિકા સાથે અલગ વેપાર કરાર કર્યો નથી.

ટર્નબેરી તા.૨૯: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશોને ચેતવણી આપી છે કે અમેરિકા એવા દેશો પાસેથી ૧૫ થી ૨૦ ટકા આયાત શુલ્ક (ટેરિફ) વસૂલ કરી શકે છે જેમણે તેની સાથે અલગ વેપાર કરાર પર વાટાઘાટો કરી નથી
સ્કોટલેન્ડના ટર્નબેરીમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે વિશ્વ માટે તે ૧૫ થી ૨૦ ટકાની વચ્ચે રહેશે. હું વધારે કઠોર બનવા માંગતો નથી, આ પૂરતું છે.
ટ્રમ્પની આ જાહેરાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે તે એપ્રિલમાં તેમણે નક્કી કરેલા ૧૦ ટકાના બેઝલાઇન ટેરિફ કરતા આ નવો આંકડો વધારે છે. આનાથી નાના દેશો પર આર્થિક દબાણ આવી શકે છે જેઓ ડ્યુટી દર માત્ર ૧૦ ટકા રહેવાની અપેક્ષા રાખતા હતા.
ટ્રમ્પે હવે સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા એવા બધા દેશો પર સમાન ટેરિફ લાદશે જેમણે અમેરિકા સાથે અલગ વેપાર કરાર કર્યો નથી. તેમણે કહ્યું કે અમે બાકીના વિશ્વ માટે ટેરિફ નક્કી કરી રહ્યા છીએ, આપણે ૨૦૦ દેશો સાથે અલગ અલગ કરારો કરી શકતા નથી.
તમને જણાવી દઈએ કે ભારત સહિત ઘણા દેશો હજુ પણ અમેરિકા સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ૧ ઓગસ્ટની ટેરિફ ડેડલાઇન નજીક આવી રહી છે
હાલમાં, મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતનું વેપાર પ્રતિનિધિમંડળ વોશિગ્ટનમાં વાટાઘાટો કરી રહ્યું છે. ભારત અમેરિકા માટે એક મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે અને તે એવા થોડા દેશોમાંનો એક છે જે હજુ પણ ટેરિફ પર વાટાઘાટો કરી રહ્યા છે.
ગયા અઠવાડિયે, ટ્રમ્પે જાપાન પર ૧૫%, ઇન્ડોનેશિયા પર ૧૬% અને યુરોપિયન યુનિયન પર ૧૫% ટેરિફની જાહેરાત કરી હતી. બ્રાઝિલ અને લાઓસ જેવા કેટલાક દેશો પહેલાથી જ અમેરિકા પર ૪૦% થી ૫૦% સુધીના ટેરિફ લાદી ચૂકયા છે.(૩૮.૧૨)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
