News of Tuesday, 29th July 2025
દેશમાં સામાન્ય કરતા ૭% વધુ વરસાદઃ રાજસ્થાન-સિક્કિમમાં ભુક્કા બોલાવ્યા
ચોમાસામાં અત્યાર સુધી વિવિધ રાજ્યોમાં અસમાન વરસાદઃ આઈએમડી : ગુજરાતમાં સામાન્ય કરતા ૩૫ ટકા વધુ ૪૬૩.૨ મીમી વરસાદ નોંધાયો

નવી દિલ્હી,તા.૨૯: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)અનુસાર, આ વર્ષે ૧ જૂને ચોમાસાની શરૂઆતથી ભારતમાં સામાન્ય કરતા ૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે. પરંતુ વિવિધ રાજ્યોમાં વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે. કેટલીક જગ્યાએ સામાન્ય કરતા વધુ તો ક્યાંક ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં સામાન્ય સરેરાશ ૪૧૮.૯ મીમીની સામે ૪૪૭.૮ મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે, પ્રાદેશિક સ્તરે વરસાદના આંકડામાં ઘણો તફાવત જોવા મળ્યો છે. રાજસ્થાન, લદ્દાખ, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં સામાન્ય કરતાં ઘણો વધુ વરસાદ નોંધાયો છે. જેને ‘લાર્જ એક્સેસ રેનફોલ'ની શ્રેણીમાં રાખવામાં આવે છે.
રાજસ્થાનમાં સામાન્ય ૨૦૦.૪ મીમી વરસાદની સામે ૩૮૪.૭ મીમી વરસાદ નોંધાયો છે, જે ૯૨% વધુ વરસાદ દર્શાવે છે. તેવી જ રીતે, લદ્દાખ, જ્યાં સામાન્ય રીતે ઓછો વરસાદ પડે છે, ત્યાં ૧૦.૭ મીમીની સામે ૩૦ મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતા ૧૮૧ ટકા વધુ છે. નાગાલેન્ડ અને મણિપુરમાં અનુક્રમે ૫૧૪.૫ મીમી અને ૪૫૭.૯મીમી વરસાદ પડ્યો છે. જ્યારે સિક્કિમમાં સામાન્ય કરતા ૭૮ ટકા વધુ ૫૯૮.૪ મીમી વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ, દીવ, ઝારખંડ અને આસામમાં સામાન્ય કરતા (૨૦થી ૫૯ ટકા) વધુ વરસાદ પડ્યો છે.
મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં સામાન્ય ૪૧૮.૪ મીમી કરતા ૫૪ ટકા વધુ ૬૪૫.૮ મીમી જ્યારે ગુજરાતમાં સામાન્ય કરતા ૩૫ ટકા વધુ ૪૬૩.૨ મીમી વરસાદ નોંધાયો છે. તેમજ દાદરા નગર હવેલી, દમણ અને દીવ જેવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ૧૪૬૬.૧ મીમી વરસાદ પડ્યો છે, જે ૨૭ ટકાનો વધારો દર્શાવે છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઓડિશા, ગોવા, ત્રિપુરા, મિઝોરમ, પヘમિ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ, પુડુચેરી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત મોટાભાગના રાજ્યોમાં સામાન્ય વરસાદ પડ્યો છે, જે સરેરાશના ૧૯ ટકાની અંદર છે.
જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપમાં સામાન્ય કરતાં ૨૦થી ૫૯ ટકા ઓછો નોંધાયો છે. અરુણાચલ પ્રદેશમાં ૯૪૨.૨ મીમી વરસાદની સામે ૫૨૧.૮ મીમી પડ્યો છે. જે ૪૫ ટકાની ઘટ દર્શાવે છે. બિહારમાં સામાન્ય ૪૭૪.૨ મીમીની સામે કરતા ૪૩ ટકા ઓછો ૨૭૨ મીમી વરસાદ પડ્યો છે.(૪૦.૮)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
