<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

શું બેંક કર્મચારીઓને મળશે દર શનિવારે રજા?

લોકસભામાં સરકારે શું આપી વિગતો!

નવી દિલ્‍હી,તા.૨૯: લાંબા સમયથી બેંક કર્મચારીઓ સપ્તાહમાં પાંચ દિવસ કાર્ય અને બે દિવસ રજાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ભારતીય બેંક સંઘ (આઈબીઆઈ) અને કર્મચારી સંગઠનો વચ્‍ચે આ મુદ્દે વિસ્‍તારપૂર્વક ચર્ચા થઈ ચૂકી છે. આ પ્રસ્‍તાવ સરકાર પાસે મોકલવામાં આવ્‍યો છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ બાકી છે. આ પ્રસ્‍તાવ પર કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે લોકસભામાં પ્રશ્ન પૂછ્‍યો હતો. તેના જવાબમાં રાજ્‍ય નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્‍યું હતું કે હાલમાં, નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ એક્‍ટ, ૧૮૮૧ની કલમ ૨૫ હેઠળ ૨૦.૦૮.૨૦૧૫ના નોટિફિકેશન મુજબ દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો માટે જાહેર રજા હોય છે.

કે.સી. વેણુગોપાલે પૂછ્‍યું હતું કે શું આ પ્રસ્‍તાવ કર્મચારીઓની અછતને કારણે પેન્‍ડિંગ છે? જેના જવાબમાં પંકજ ચૌધરીએ જણાવ્‍યું કે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) બોર્ડ દ્વારા સંચાલિત વ્‍યાપારી સંસ્‍થાઓ છે. દરેક સરકારી ક્ષેત્રની બેંકમાં કર્મચારીઓની જરૂરિયાત સંબંધિત પીએસબી દ્વારા વિવિધ પરિબળોને ધ્‍યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

પીએસબી પાસેથી મળેલી માહિતી મુજબ, ૩૧.૦૩.૨૦૨૫ સુધીમાં, ૯૬% કર્મચારીઓ બેંકોની તેમની વ્‍યવસાયિક જરૂરિયાત મુજબ કાર્યરત છે. તેમણે જણાવ્‍યું હતું કે હાલમાં, સરકારે ૫-દિવસીય બેંકિગ સપ્તાહને તાત્‍કાલિક લાગુ કરવા અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવી નથી, પરંતુ આ પ્રસ્‍તાવ સરકારના વિચારણા હેઠળ છે.

(10:06 AM IST)