<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

નિમીષા પ્રિયાના મૃત્યુદંડ અંગે હજુ મૂંઝવણની સ્થિતિ :પીડિતના ભાઈ સજા પર મક્કમ : વિદેશ મંત્રાલયે માફીના દાવાને નકાર્યો

નિમિષા પ્રિયાની સ્થિતિ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. હવે પ્રશ્ન એ છે કે નિમિષા પ્રિયાને મુક્ત કરવામાં આવશે, કે જૂની સ્થિતિ જેમની તેમ રહેશે

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની સજા અંગે હજુ પણ મૂંઝવણની સ્થિતિ છે. 28 જુલાઈના રોજ પ્રથમ સમાચાર આવ્યા કે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. સોમવારે ગ્રાન્ડ મુફ્તી અબુ બકર મુસલિયારના કાર્યાલયે દાવો કર્યો હતો કે, નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. એટલે કે યમનમાં નિમિષાને મૃત્યુદંડની સજા આપવામાં આવશે નહીં.

પરંતુ થોડા જ સમયમાં ભારતના વિદેશ મંત્રાલયે ગ્રાન્ડ મુફ્તી અબુ બકર મુસલિયારના દાવાને નકારી કાઢ્યો. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, નિમિષા પ્રિયા પર કેટલાક લોકો દ્વારા શેર કરવામાં આવી રહેલી માહિતી ખોટી છે. ગ્રાન્ડ મુફ્તી આ મામલે મધ્યસ્થી કરી રહ્યા છે.

 

વિદેશ મંત્રાલયના આ નિવેદન પછી નિમિષા પ્રિયાની સ્થિતિ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. હવે પ્રશ્ન એ છે કે નિમિષા પ્રિયાને મુક્ત કરવામાં આવશે, કે જૂની સ્થિતિ જેમની તેમ રહેશે. એટલે કે તેની મૃત્યુદંડની સજા હમણાં જ રદ કરવામાં આવી છે. તે જ સમયે નિમિષાની મુક્તિની રાહ જોઈ રહેલા તેના પતિ અને પુત્રી યમન પહોંચી ગયા છે.

 

આ દરમિયાન યમનના નાગરિક અબ્દુલ ફત્તાહ મહદીએ જાહેરમાં નિમિષા પ્રિયાને તાત્કાલિક મૃત્યુદંડની માંગણી કરી છે. નિમિષાને યમનની કોર્ટે અબ્દુલ ફત્તાહ મહદીના ભાઈ તલાલ અબ્દો મહદીની હત્યા બદલ દોષિત ઠેરવી છે.

 

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અબ્દુલ ફત્તાહે યમનના એટર્ની જનરલને લખેલો પત્ર શેર કર્યો છે. અંગ્રેજી વેબસાઇટ ઓનમાનોરમા અનુસાર આમાં તેમણે યમનના એટર્ની જનરલને ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમનો પરિવાર આ નિર્ણયને કોઈપણ વિલંબ વિના લાગુ કરવાની માંગ કરે છે.

 

અબ્દુલ ફત્તાહે અબુ બકર મુસલિયારના કાર્યાલયના એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે ઉત્તર યમનના અધિકારીઓ, એક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ અને શેખ હબીબ ઓમર બિન હાફીલ દ્વારા નિયુક્ત ઇસ્લામિક મૌલવીઓના જૂથ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેથી નિમિષાની મૃત્યુદંડની સજા રદ કરી શકાય અને આગળની કાર્યવાહીનો નિર્ણય લઈ શકાય.

 

25 જુલાઈના રોજ મોકલવામાં આવેલા પોતાના પત્રમાં અબ્દુલ ફત્તાહે લખ્યું હતું કે, નિમિષા પ્રિયાને મૃત્યુદંડની સજાના આદેશને યમનની સુપ્રીમ પોલિટિકલ કાઉન્સિલ તરફથી અંતિમ મંજૂરી મળી ગઈ છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "આ નિર્ણય હવે અંતિમ અને બંધનકર્તા આદેશનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યો છે. તેથી કાયદા અનુસાર તેનો અમલ કરવો ફરજિયાત બની ગયો છે અને તમામ સંબંધિત અધિકારીઓએ કોઈપણ વિલંબ વિના તેનો અમલ કરવો જોઈએ.

 

 નિમિષાની સજા 16 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ભારતના ધાર્મિક નેતાઓ દ્વારા મધ્યસ્થી પ્રયાસો બાદ તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

 

અબ્દુલ ફત્તાહે આ વિલંબની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, તેના પરિવારે "સમજૂતી અને મધ્યસ્થી પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા, કારણ કે ગુનાએ બધી હદો ઓળંગી દીધી હતી." 

 

જોકે નિમિષાને બચાવવા માટે અબુ બકર મુસ્લીયર તરફથી પ્રયાસો ચાલુ હતા. 94 વર્ષીય ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા જે અગાઉ સ્થગિત કરવામાં આવી હતી, હવે રદ કરવામાં આવી છે. સનામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મૃત્યુદંડનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સજાને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

દરમિયાન નર્સ નિમિષાની 13 વર્ષની એકમાત્ર પુત્રી મિશેલ અને તેનો પતિ તેની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. બંને કેટલાક મધ્યસ્થી સાથે યમનની રાજધાની સના પહોંચી ગયા છે. નિમિષાની પુત્રીએ ખૂબ જ ભાવનાત્મક અપીલ કરી છે કે મમ્મી મને તમારી યાદ આવે છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું મમ્મી. કૃપા કરીને મારી માતાને ઘરે પાછી લાવવામાં મદદ કરો. હું તેમને ખૂબ મળવા માંગુ છું.

 

કેરળની રહેવાસી નિમિષા પ્રિયા ૩૮ વર્ષની છે. વ્યવસાયે નર્સ, નિમિષા 2008માં સારી રોજગાર માટે યમન ગઈ હતી. નિમિષા એક સરકારી હોસ્પિટલમાં કામ કરતી હતી. 2017માં નિમિષા પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં તેણીને દોષી ઠેરવવામાં આવી હતી.

(12:45 PM IST)