<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

ગીરની દંતકથા સમાન સિંહ જોડી જય અને વીરુનો કરુણ અંત : મિત્રતાની અમર ગાથા સાથે જંગલમાંથી વિદાય!

એક મહિનાના અંતરે વીરુ અને આજે જયનું અવસાન થતા વન્યજીવ પ્રેમીઓમાં શોક : વન વિભાગ અને વનતારાના પ્રયાસો છતાં જીવીત ન રહી શક્યા : પરિમલભાઈ નથવાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું - "જય-વીરુની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે."

જામનગર : ગીરના જંગલની દંતકથા સમાન સિંહ જોડી જય અને વીરુ હવે ઇતિહાસ બની ગઈ છે. એકાદ મહિના પહેલાં વીરુના અવસાન બાદ, આજે જયનું પણ અવસાન થતા આ અદ્ભુત જોડી વિખરાઈ ગઈ છે. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસો છતાં, જય અને વીરુ તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શક્યા નહીં અને મૃત્યુને ભેટ્યા. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરિણામ મેળવી શક્યા નહીં, જે વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુઃખદ સમાચાર છે.
વન્યજીવપ્રેમી પરિમલભાઈ નથવાણીએ વ્યક્ત કર્યું દુઃખ:
અત્યંત ભારે હૃદય સાથે વન્યજીવપ્રેમી પરિમલભાઈ નથવાણીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વીરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. જય-વીરુની અદ્ભુત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.”
શોલેની જય-વીરુ જેવી અમર મિત્રતા:
ગીરના હૃદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી છે. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.
તેમની રહસ્યમયી ડણક દોસ્તીના શાશ્વત પ્રતિજ્ઞાનાં પ્રતિક સમા સ્તુતિગાન "ये दोस्ती...हम नहीं तोडेंगे, छोडेंगे दर मगर, तेरा साथ न छोडेंगे..." ને પ્રતિબિંબિત કરતી હતી. વન્યજીવ પ્રેમીઓમાં એક કહેવત પ્રચલિત હતી કે, “ગીરમાં જય-વીરુને નથી જોયા તો કંઈ નથી જોયું.”
ગીર હંમેશા દંતકથારૂપ જોડીનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે. જય અને વીરુની વિદાયથી ગીરમાં એક યુગનો અંત આવ્યો છે, પરંતુ તેમની મિત્રતા અને શૌર્યની વાતો આવનારી પેઢીઓ સુધી ગૂંજતી રહેશે.

 

(8:43 PM IST)