<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

હૈદરાબાદમાં નિઃસંતાન યુગલો સાથે ક્રૂર છેતરપીંડી: ઓછી કિંમતમાં બાળક ખરીદી ઊંચી કિંમતે વેંચતા :IVF સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ

પોલીસે, મહેસૂલ અને આરોગ્ય અધિકારીઓના સહયોગથી, IVF સેવાઓની આડમાં કાર્યરત ગેરકાયદેસર સરોગસી અને તસ્કરીના આ નેટવર્કનો પર્દાફાશ કર્યો.

હૈદરાબાદમાં નિઃસંતાન યુગલોને સરોગસી દ્વારા બાળકની વાત કરી તેમની સાથે ક્રૂર છેતરપીંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કૌભાંડમાં ક્લિનિક દ્વારા આર્થિક રીતે નબળી મહિલાઓને લાલચ આપી તેમની પાસેથી ઓછી કિંમતમાં બાળક ખરીદી તેને સરોગસી દ્વારા જન્મેલું બાળક બતાવી પેશન્ટ તરીકે આવતા નિ-સંતાન દંપતિઓને ઉંચી ફી વસુલી અપાતું હતું..  

હૈદરાબાદના યુનિવર્સલ સૃષ્ટિ ફર્ટિલિટી સેન્ટર દ્વારા ચલાવવામાં આવતા આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ૩૫ લાખ રૂપિયા ચૂકવનારા એક દંપતીને ડીએનએ ટેસ્ટ દ્વારા જાણવા મળ્યું કે તેમને આપવામાં આવેલું બાળક બાયોલોજિકલ રીતે તેમનું નથી. આ કિસ્સાામાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગોપાલપુરમ પોલીસે, મહેસૂલ અને આરોગ્ય અધિકારીઓના સહયોગથી, IVF સેવાઓની આડમાં કાર્યરત ગેરકાયદેસર સરોગસી અને તસ્કરીના આ નેટવર્કનો પર્દાફાશ કર્યો.

 

ધરપકડ કરાયેલા લોકોમાં ક્લિનિકના સ્થાપક ડૉ. અથલુરી નમ્રથા ઉર્ફે પચીપલા નમ્રથા , તેમનો પુત્ર પચીપલા જયંત ક્રિષ્ના, ક્લિનિક મેનેજર સી.કલ્યાણી અતચયમ્મા, ગાંધી હૉસ્પિટલના એનેસ્થેટીસ્ટ ,ડૉ. નરગુલા સદાનંદમ, લેબ ટેકનિશિયન ગોલ્લામંડલા, ચેન્ના રાઓ, એજન્ટ ધનશ્રી સંતોષી, અને બાળકના વાસ્તવિક માતા-પિતાનો સમાવેશ થાય છે. બચાવી લેવાયેલા એક મહિનાના બાળકને રાજ્ય સરકાર દ્વારા ચાલતા શિશુ વિહારમાં મૂકવામાં આવ્યું છે.

ડીસીપી (ઉત્તર ઝોન) એસ રશ્મિ પેરુમલના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ફરિયાદી દંપતીએ ઓગસ્ટ 2024 માં હૈદરાબાદની ગોપાલપુરમ શાખાનો સંપર્ક કર્યો હતો. પ્રારંભિક પરામર્શ પછી, વધુ કાર્યવાહી માટે તેમને વિશાખાપટ્ટનમ શાખામાં રિફર કરવામાં આવ્યા. નવ મહિનામાં તેમણે 35 લાખ રૂપિયાથી વધુ ચૂકવ્યા, કારણ કે તેમને વિશ્વાસ હતો કે સરોગેટ માતાની વ્યવસ્થા થઈ ગઈ છે. જૂન 2025 માં ક્લિનિકે તેમને જાણ કરી કે સી-સેક્શન દ્વારા એક બાળકનો જન્મ થયો છે. બાળકને બનાવટી જન્મ પ્રમાણપત્ર સાથે સોંપવામાં આવ્યું હતું જેમાં દંપતીને જૈવિક માતાપિતા તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, બાળકના ચહેરાના લક્ષણોમાં નોંધપાત્ર તફાવત જોયા પછી, ફરિયાદી દંપતીને શંકા ગઈ કે તેમને કોઈ બીજાનું બાળક સોંપવામાં આવ્યું છે. જ્યારે દંપતીએ સરોગેટ માતાના ડીએનએ ચકાસણીની વિનંતી કરી, ત્યારે ડૉ. નમ્રથાએ કથિત રીતે પ્રક્રિયા અટકાવી દીધી હતી

સ્કેમની શંકા જતા, તેમણે દિલ્હીમાં સ્વતંત્ર પરીક્ષણો કરાવ્યા, જેમાં પુષ્ટિ થઈ કે બાળક તેમનું નથી. ક્લિનિકમાં રજુઆત કરવા પર, દંપતીને કાનૂની ધમકીઓ આપીને ડરાવવાનો પ્રયાસ કરાયો હતો. આખરે તેઓએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી 

તપાસમાં જાણવા મળ્યું કે હૈદરાબાદમાં એક મહિલાને બાળકનો જન્મ થયો હતો, જેને ₹90,000 માં બાળક વેચી દેવાની લાલચ આપવામાં આવી હતી. તેણીને ડિલિવરી માટે વિશાખાપટ્ટનમ ખસેડવામાં આવી હતી, અને ખોટા તબીબી રેકોર્ડનો ઉપયોગ કરીને તેના બાળકને ફરિયાદી દંપતીના બાળક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ વ્યવહારમાં ભૂમિકા ભજવવા બદલ મૂળ માતાપિતા, આસામના એક દંપતીની પણ ધરપકડ કરવામાં આવી હતી.  

(9:49 PM IST)