<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ભારતે માંગમાં સિંદૂર ભરી દીધું તો હવે પાકિસ્‍તાન તો પત્‍ની બની ગઈ

સાંસદ હનુમાન બેનીવાલની વાત સાંભળી સાંસદો ખડખડાટ હસ્‍યા

નવી દિલ્‍હી તા.૩૦: સંસદના ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં મોડી રાત સુધી ઓપરેશન સિદૂર પર ચર્ચા ચાલી. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સરકારને આકરા સવાલો કર્યા હતા. નાગૌરથી આરએલપી સાંસદ હનુમાન બેનીવાલે પણ ઓપરેશન સિદૂર પર સવાલ પૂછ્‍યા હતા. પણ તેમનો અંદાજ થોડો અલગ હતો, જેના કારણે સદનમાં હાજર સાંસદો પોતાના હાસ્‍યને રોકી શક્‍યા નહોતા. હનુમાન બેનીવાલે ઓપરેશન સિદૂરનો ઉલ્‍લેખ કરતા કહ્યું કે, ભારતે પાકિસ્‍તાનની માંગમાં સિદૂર ભરી દીધું, તો પછી પાકિસ્‍તાન ભારતની પત્‍ની થઈ ગઈ. તેમની આ વાત સાંભળી સદનમાં હાસ્‍યનું મોજું ફરી વળ્‍યું.

હનુમાન બેનીવાલે ઓપરેશન સિદૂરનો ઉલ્‍લેખ કરતા કહ્યું કે, ખૂબ જ દુર્ભાગ્‍ય છે કે ૨૨ એપ્રિલના રોજ ઘટના થઈ અને ૮ મેની રાતે ઓપરેશન સિદૂરની શરૂઆત થઈ. બે દિવસ સુધી આ ઓપરેશન ચાલ્‍યું, જે બાદ સરકારે કહ્યું કે, પાકિસ્‍તાન ઘૂંટણીયે આવી ગયું હતું અને દેશના મીડિયાએ કહ્યું કે, કરાચી પહોંચી ગયા અને લાહોર પર કબજો કરી લીધો. ઇસ્‍લામાબાદ પર ઝંડો ફરકાવી દેવાનો છે. બેનીવાલે કહ્યું કે, અમને લાગ્‍યું કે કામ થઈ ગયું. સવાર સુધીમાં પાકિસ્‍તાન આવી જશે. સરકારે ઓપરેશનનું નામ સિદૂર રાખ્‍યું. એવું લાગી રહ્યું છે કે ભારત પાકિસ્‍તાનની માંગમાં સિદૂર ભરી રહ્યું છે. બિલકુલ એવું જ લાગી રહ્યું હતું. તેમની વાત સાંભળી અર્જુન મેઘવાળ સહિત તમામ સાંસદો હસવા લાગ્‍યા તો બેનીવાલે કહ્યું કે હસો નહીં.

બેનીવાલ અહીંથી રોકાયા નહીં અને કહ્યું કે આપણા હિન્‍દુ ધર્મમાં સિદૂરનો મતલબ એ જ થાય છે કે...આટલું સાંભળતા જ કોઈએ કહ્યું કે, તો તેના પર તેમણે કહ્યું કે ખુદ તો અડધો કલાક ભાષણ આપી દીધું અને મને કહી રહ્યા છો કે જાઓ, કમાલ છે. તેમની આ વાત સાંભળી બાજુમાં બેઠેલા ચંદ્રશેખર પણ હસવાનું રોકી શક્‍યા નહીં. બેનીવાલની વાત સાંભળી આખું સદન હસવા લાગ્‍યું.(૩૮.૮)

(1:52 PM IST)