<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદીઓ ઠાર: પહેલગામ હુમલામાં સામેલ વધુ આતંકીઓનો સફાયો: અન્ય બેને ઘેરી લેવાયા એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોનું આતંકવાદ વિરોધી અભિયાન તેજ

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં આજે બુધવારે વહેલી સવારે બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ ઘટના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો બાદ બની છે, જેમાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે 'X' (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, પૂંછ સેક્ટરમાં સરહદ નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ જોવા મળી હતી. ત્યારબાદ ગોળીબાર થયો અને ઓપરેશન ચાલુ છે. 
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (બીજેપી) નલિન પ્રભાતે બાદમાં પુષ્ટિ કરી કે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયા છે.
આ અથડામણ પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને શ્રીનગર નજીક ઠાર મરાયાના બે દિવસ બાદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓને સુરક્ષા દળો દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા અને તેમનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. પૂંછ જિલ્લાના કલસિયાં વિસ્તારમાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા દળોની એક ટીમે ચોક્કસ માહિતીના આધારે કસલિયાંમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેવું સંયુક્ત દળ શંકાસ્પદ વિસ્તાર તરફ આગળ વધ્યું, છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, જેના પછી અથડામણ શરૂ થઈ. 
છેલ્લી માહિતી મળ્યા મુજબ, પ્રસંગોપાત ગોળીબાર ચાલુ હતો અને હજુ પણ બે આતંકવાદીઓ ઘેરાઈ ગયેલા હોવાનું મનાય છે. (સુરેશ ડુગર દ્વારા

(6:41 PM IST)