News of Wednesday, 30th July 2025
કાન ખોલીને સાંભળી લે... 22 એપ્રિલથી 16 જૂન સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે એક પણ ફોન થયો નથી: કોંગ્રેસ પર જયશંકર ભડક્યા
જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ નેહરુની ભૂલો સુધારવાનું કામ કર્યું છે. અમને 60 વર્ષ સુધી કહેવામાં આવ્યું કે કંઈ થઈ શકે નહીં. નેહરુની ભૂલો સુધારી શકાતી નથી. પરંતુ મોદી સરકારે બતાવ્યું કે આ શક્ય છે.

નવી દિલ્હી :વિદેશમંત્રી એસ. જયશંકરે બુધવારે રાજ્યસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. એસ જયશંકરે કોંગ્રેસ પર ઇતિહાસ ભૂલી જવા અને માત્ર પોતાની મનપસંદ વાતો યાદ રાખવાનો આરોપ લગાવ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેટલાક લોકો ઇતિહાસથી ડરે છે. સિંધુ જળ સંધિ તે સમયની ખોટી નીતિઓનું પરિણામ હતી.
વિદેશ મંત્રીએ 1960માં જવાહરલાલ નેહરુ દ્વારા સંસદમાં અપાયેલા નિવેદનને યાદ કરતાં જણાવ્યું કે નેહરુએ આ સંધિ પાકિસ્તાની પંજાબના હિતમાં હોવાનું કહ્યું હતું, પરંતુ તેમણે કાશ્મીર, પંજાબ, રાજસ્થાન કે ગુજરાતના ખેડૂતો વિશે એક શબ્દ પણ નહોતો કહ્યો.
ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે વિપક્ષ દ્વારા કરાયેલા આરોપોનું સખત ખંડન કર્યું કે હું તેમને કહેવા માંગુ છું, તેઓ કાન ખોલીને સાંભળી લે. 22 એપ્રિલથી 16 જૂન સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે એક પણ ફોન થયો નથી.
જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ નેહરુની ભૂલો સુધારવાનું કામ કર્યું છે. અમને 60 વર્ષ સુધી કહેવામાં આવ્યું કે કંઈ થઈ શકે નહીં. નેહરુની ભૂલો સુધારી શકાતી નથી. પરંતુ મોદી સરકારે બતાવ્યું કે આ શક્ય છે. તેમણે આર્ટિકલ 370 નાબૂદ કરવા અને હવે સિંધુ જળ સંધિમાં સુધારો કર્યો.
જયશંકરે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સંપૂર્ણપણે સમર્થન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં. તેમણે ઉમેર્યું કે ભારત હવે જૂની ભૂલોનું પુનરાવર્તન કરશે નહીં. આતંકવાદ અને જળ સંધિ સાથે-સાથે ચાલી શકે નહીં.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
