<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

લોનનો હપતો ન ભર્યો તો બેન્‍કવાળા પત્‍નીને લઈ ગયા, કહ્યું- પહેલા હપ્‍તો ભરો, પછી પત્‍ની મળશે!

ઝાંસીના મોંઢ વિસ્‍તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવીઃ બેંકે બંધક બનાવીઃ પોલીસે છોડાવી

ઝાંસી,તા.૩૧: ઉત્તર પ્રદેશના ઝાંસીના મોંઢ વિસ્‍તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાઈવેટ ગ્રુપની લોનના હપ્તા નહીં ભરતા એક પ્રાઈવેટ બેન્‍કના કર્મચારીઓએ મહિલાને કથિત રીતે કલાકો સુધી બેન્‍કમાં બેસાડી બંધક બનાવી રાખી હતી.

આ ઘટના બમ્‍હરોલી ગામના આઝાદનગર વિસ્‍તારમાં આવેલી એક પ્રાઈવેટ ગ્રુપ લોન આપનારી બેન્‍કની છે. પૂંછના રહેવાસી રવિન્‍દ્ર વર્માએ પોલીસને જણાવ્‍યું કે, તેમની પત્‍ની પૂજા વર્માને સોમવારે બપોરે ૧૨ વાગ્‍યાથી બેન્‍કની અંદર બળજબરીપૂર્વક બેસાડી રાખી હતી. બેન્‍ક કર્મચારીઓએ સ્‍પષ્ટ કહ્યું કે, જ્‍યાં સુધી પતિ બાકી લોનના હપ્તા જમા નહીં કરે, ત્‍યાં સુધી મહિલાને છોડવામાં આવશે નહીં.

પતિએ પોલીસને જાણ કરતા વેંત  પીઆરવી પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી. તો બેન્‍કના કર્મચારીઓ ગભરાઈ ગયા અને તાત્‍કાલિક તેમણે મહિલાને બહાર કાઢી. પોલીસ પૂછપરછમાં બેન્‍કના સ્‍ટાફે દાવો કર્યો કે મહિલા ખુદ બેન્‍કમાં આવીને બેઠી હતી અને તેનો પતિ હપ્તાની રકમ લેવા ગયો હતો. બાદમાં પોલીસે મહિલા અને તેના પતિને પોલીસ ચોકીએ મોકલી બેન્‍કના કર્મચારીઓને પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્‍યા. ચોકીમાં મહિલા પૂજા વર્માએ એક લેખિત આવેદન પોલીસને સોંપ્‍યું અને તેમાં પોતાની આપવીતી જણાવી હતી.

મહિલાએ જણાવ્‍યું કે, તેમણે બેન્‍કમાંથી ૪૦,૦૦૦ રૂપિયાની પર્સનલ લોન લીધી હતી. જેનો માસિક હપ્તો ૨૧૨૦ રૂપિયા આવતો હતો. અત્‍યાર સુધીમાં ૧૧ હપ્તા ભરી દીધા છે, પણ બેન્‍કમાં ખાલી ૮ હપ્તા જ બતાવે છે. તેમણે આરોપ લગાવ્‍યો કે બેન્‍કના એજન્‍ટ કૌશલ અને ધર્મેન્‍દ્રે તેમના હપ્તાના પૈસા જમા નથી કરાવ્‍યા અને તેમાં ગોટાળો કર્યો છે.

આ મામલે બેન્‍ક મેનેજર અનુજ કુમારે સ્‍પષ્ટતા આપતા જણાવ્‍યું કે, મહિલા છેલ્‍લા ૭ મહિનાથી હપ્તા ભરતી નહોતી, એટલા માટે તેને બોલાવી હતી. તેમણે એવો દાવો કર્યો કે મહિલા પોતાના પતિ સાથે આવી હતી અને ખુદ બેન્‍કમાં બેસી રહી હતી, તેને જબરદસ્‍તી રોકવામાં આવી નથી. પતિએ આરોપ લગાવ્‍યો કે કુશલ અને ધમેન્‍દ્ર વચ્‍ચેથી મારા હપ્તાના પૈસા ખાઈ જતાં અને જમા કરાવતા નહોતા. એટલા માટે મેં એક હપ્તો રોકી રાખ્‍યો હતો. આજે બેન્‍કવાળાએ મારા ઘરે આવ્‍યા અને મારી પત્‍નીને લઈ ગયા હતા. ત્‍યારે અમે લોકોએ કહ્યું કે, થોડો સમય આપી દો તો હપ્તો જમા કરાવી દઈશું. પણ એ લોકો બોલ્‍યા કે પહેલા પૈસા આપો પછી પત્‍ની લઈ જજે. તેમણે ૪ કલાક પોતાની ઓફિસમાં મારી પત્‍નીને બેસાડી રાખી. પછી મેં ૧૧૨ ડાયલ કરી પોલીસને મદદ માટે બોલાવી.

(11:19 AM IST)