News of Thursday, 31st July 2025
માલેગાંવ બ્લાસ્ટ : સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ ૭ આરોપી નિર્દોષ
NIAની વિશેષ કોર્ટે ચુકાદો આપ્યો : સાધ્વી પ્રજ્ઞાને મુખ્ય આરોપી બનાવાયા હતા : કોર્ટે કહયું કે પુરાવાના અભાવને કારણે લેવાયો નિર્ણય : બોમ્બ, RDX અને ફિંગરપ્રિન્ટના કોઇ પુરાવા મળ્યા નથી

નવી દિલ્હી, તા.૩૧: મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં રાહ જોવાનો અંત આવ્યો છે. ૧૭ વર્ષ પછી આખરે કોર્ટનો નિર્ણય આવ્યો છે. NIA કોર્ટે ૨૦૦૮ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, નિવળત્ત મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી બધાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે કોર્ટમાં એવું શું થયું કે બધા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. કોર્ટે કરેલી ટિપ્પણીઓ અને આપેલા નિર્ણયથી સ્પષ્ટ થશે.
માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૧૭ વર્ષની લાંબી રાહ જોયા બાદ આજે એટલે કે ગુરુવારે આ નિર્ણય આવ્યો. NIA એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ કોર્ટે પુરાવાના અભાવે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે ન તો બોમ્બ મળ્યો, ન તો RDX કે ન તો કોઈ ફિંગરપ્રિન્ટ. કોર્ટે કહ્યું કે ATS અને NIAની ચાર્જશીટમાં ઘણો તફાવત છે.
કોર્ટના નિર્ણય મુજબ, ફરિયાદ પક્ષ એ સાબિત કરી શકયો નહીં કે બોમ્બ મોટરસાઇકલમાં હતો. કર્નલ પુરોહિત સામે એવો કોઈ પુરાવો મળ્યો નથી કે તેમણે બોમ્બ બનાવ્યો હતો કે સપ્લાય કર્યો હતો. બોમ્બ કોણે મૂકયો હતો તે પણ સાબિત થયું નથી. ઘટના પછી નિષ્ણાતોએ પુરાવા એકત્રિત કર્યા ન હતા, જેના કારણે પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી હતી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે વિસ્ફોટ પછી પંચનામા યોગ્ય રીતે કરવામાં આવ્યો ન હતો, ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા ન હતા અને બાઇકનો ચેસિસ નંબર કયારેય મળી આવ્યો ન હતો. ઉપરાંત, એ સાબિત કરી શકાયું ન હતું કે બાઇક સાધ્વી પ્રજ્ઞાના નામે હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમામ સાત આરોપીઓ નિર્દોષ છે. ફક્ત શંકાના આધારે કોઈને સજા કરી શકાતી નથી. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે આતંકવાદનો કોઈ ધર્મ નથી.
અત્યાર સુધી શું સાબિત થયું નથી?
૧. આરડીએક્સ અને બોમ્બના પુરાવા સાબિત કરી શકાયા નથી.
૨. એ સાબિત કરી શકાયું નથી કે બાઇક સાધ્વી પ્રજ્ઞાની હતી.
૩. વિસ્ફોટ પહેલાં કોઈ મીટિંગ થઈ હોવાનું સાબિત થઈ શકયું નથી.
૪. એવું સાબિત થઈ શકયું નથી કે કર્નલ પુરોહિત RDX લાવ્યા હતા,
૫. બાઇક પરનો ચેસીસ નંબર કયારેય મળી આવ્યો ન હતો.
૬. સ્થળ પંચનામામાંથી કંઈ બહાર આવ્યું નથી.
૭. UAPA લાગુ પડતું નથી - આ કેસ માન્ય નથી.
હકીકતમાં, આ કેસમાં ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષે સુનાવણી અને અંતિમ દલીલો પૂર્ણ કર્યા પછી ૧૯ એપ્રિલે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આ કેસમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને નિવળત્ત મેજર રમેશ ઉપાધ્યાય સહિત સાત લોકો પર કેસ ચાલી રહ્યો હતો. આ બધા લોકો પર ગેરકાયદેસર પ્રવળત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. બધા આરોપીઓ હાલમાં જામીન પર છે.
શું હતો આખો માલેગાંવ કેસ : ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ ના રોજ, મહારાષ્ટ્રના માલેગાંવમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન અને નવરાત્રિ પહેલા વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. દાયકા લાંબી ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે ૩૨૩ સાક્ષીઓની તપાસ કરી હતી, જેમાંથી ૩૪ સાક્ષીઓ ફરી ગયા હતા. શરૂઆતમાં, આ કેસની તપાસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા કરવામાં આવી હતી. જોકે, ૨૦૧૧ માં તપાસ NIAને સોંપવામાં આવી હતી.(૨૩.૨૮)
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
