News of Thursday, 31st July 2025
કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી
મોદી કેબિનેટના ૬ મોટા નિર્ણયઃરેલવે લાઇન મામલે ૫૪૫૧ કરોડ રૃપિયાનું ફંડ મંજૂર

નવી દિલ્હી, તા.૩૧
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં છ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટે કૃષિ, રેલવે, સહકારી સહિત અનેક સેક્ટર માટેના ફંડને મંજૂરી આપી છે. બેઠકમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડ રાજ્યોના ૧૩ જિલ્લાને આવરી લેતા ચાર મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવે લાઇનને લગતા મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં ભારતીય રેલવેનું વર્તમાન નેટવર્ક ૫૭૪ કિલોમીટર વધી જશે. આ ઉપરાંત નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NCDC)નું બજેટ રૃપિયા ૨૦૦૦ કરોડ વધારવામાં આવ્યું છે. જ્યારે કૃષિ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) માટે ૬૫૨૦ કરોડ રૃપિયા મંજૂર કર્યા છે. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી છે.
કેબિનેટની બેઠકમાં વધુ રેલવે લાઇનો બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે, જેમાં પ્રોજેક્ટનો ખર્ચ ૫૪૫૧ કરોડ રૃપિયા નક્કી કરાયો છે. કેબિનેટે અલુબાડી રોડ-ન્યૂ જલપાઈગુડી વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇન બનાવવા મંજૂરી આપી છે. છત્રપતિ સંભાજીનગર-પરભણી વચ્ચે ૧૭૭ કિલોમીટર લાંબી લાઇનને ડબલિંગ કરવા માટે ૨૧૭૯ કરોડ રૃપિયા અને ડોંગાપોસીથી જરોલી વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન પ્રોજેક્ટ માટે ૧૭૫૨ કરોડ રૃપિયાની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં કૃષિ, સહકારી, રેલવે સહિતના સેક્ટરો માટે કુલ રૃપિયા ૧૯,૬૮૮ કરોડ રૃપિયાનું ફંડ મંજૂર કરાયું છે.
કેબિનેટની બેઠકમાં કુલ ૬ નિર્ણયો લેવાયા
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને સશક્ત બનાવવા - ૨,૦૦૦ કરોડ રૃપિયા
પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજનાને મજબૂત બનાવવા - ૬,૫૨૦ કરોડ રૃપિયા
ઈટારસી - નાગપુર ચોથી રેલવે લાઇન બનાવવા - ૫,૪૫૧ કરોડ રૃપિયા
અલુબારી રોડ - ન્યુ જલપાઇગુડી ત્રીજી અને ચોથી રેલવે લાઇન બનાવવા - ૧,૭૮૬ કરોડ રૃપિયા
છત્રપતિ સંભાજીનગર - પરભણી રેલવે લાઇનનું ડબલિંગ કરવા - ૨,૧૭૯ કરોડ રૃપિયા
ડાંગોઆપોસી - જરોલી ત્રીજી અને ચોથી રેલવે લાઇન બનાવવા - ૧,૭૫૨ કરોડ રૃપિયા
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
