<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd August 2025

ચેસ વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખને CM ફડણવીસે ૩ કરોડનું ઈનામ આપ્યું, નાગપુરમાં ભવ્ય સન્માન

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, "એક ભારતીય તરીકે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે અને નાગપુરના વતની તરીકે ગર્વ છે કે સ્થાનિક છોકરીએ વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કર્યું"

નાગપુર 2 ઓગસ્ટ 2025:  મહારાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ ક્ષણ, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન દિવ્યા દેશમુખને ૩ કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરી. દિવ્યાએ ૨૮ જુલાઈના રોજ જ્યોર્જિયાના બાટુમી ખાતે રમાયેલી ફાઇનલમાં દેશની જ કોનેરુ હમ્પીને હરાવીને આ પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે જ તે સૌથી નાની ઉંમરની ચેસ ચેમ્પિયન અને ગ્રાન્ડમાસ્ટર બની ગઈ છે.

દિવ્યા દેશમુખ માટે ગૌરવપૂર્ણ ક્ષણ
નાગપુરમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત થયા બાદ દિવ્યાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, "આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. હું ખુશ છું કે હું આ બાળકો માટે પ્રેરણા બની શકી." તેણીએ મહારાષ્ટ્ર સરકાર અને ચેસ એસોસિએશનનો પણ આભાર માન્યો.

મુખ્યમંત્રીએ દિવ્યાને અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું કે, "એક ભારતીય તરીકે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે અને નાગપુરના વતની તરીકે મને ગર્વ છે કે એક સ્થાનિક છોકરીએ વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કર્યું છે." તેમણે ઉમેર્યું કે સરકારે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને ભવિષ્યમાં પણ દિવ્યાને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું.

આ કાર્યક્રમમાં રમતગમત મંત્રી માણિકરાવ કોકાટે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાજ્યમાં રમતગમતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ સન્માન સમારોહ મહારાષ્ટ્રમાં રમતગમત અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે એક ઉદાહરણરૂપ બની રહેશે.

 

(10:00 PM IST)