News of Saturday, 2nd August 2025
રશિયા ફરી એકવાર ભયાનક ભૂકંપથી હચમચ્યું: કામચાટકા ટાપુના પૂર્વ કિનારા પર 6.1ની તીવ્રતાનો ભૂકંપ: ભારે ફફડાટ
સવારે 6:20 વાગ્યે 6.1 ની તીવ્રતાના આફ્ટરશોક અને ગઈકાલે રાત્રે 11:57 વાગ્યે 5.9 ની તીવ્રતાના આફ્ટરશોક રશિયામાં અનુભવાયા

રશિયાની ધરતી ફરી એકવાર ભયાનક ભૂકંપથી હચમચી ઉઠી છે. આજે રાત્રે 7:44 વાગ્યે છેલ્લો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી. આજે પણ રશિયાના કામચાટકા ટાપુના પૂર્વ કિનારા પર ભૂકંપ આવ્યો છે, જેનું કેન્દ્ર જમીનથી 20 કિલોમીટર નીચે હતું. આજે સવારે પણ 6:20 વાગ્યે 6.1 ની તીવ્રતાના આફ્ટરશોક અને ગઈકાલે રાત્રે 11:57 વાગ્યે 5.9 ની તીવ્રતાના આફ્ટરશોક રશિયામાં અનુભવાયા હતા.
30 જુલાઈના રોજ રશિયાના કામચટકા ટાપુ પર એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 માપવામાં આવી હતી અને આ ભૂકંપ ઇતિહાસનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. આટલી તીવ્રતાના આ ભૂકંપ પછી, રશિયાના લોકોએ 275 થી વધુ આફ્ટરશોકનો અનુભવ કર્યો, જેમાંથી સૌથી મોટો 6.9 ની તીવ્રતાનો હતો.
૩૦ જુલાઈના રોજ આવેલા ભૂકંપમાં ૧,૮૦,૦૦૦ લોકોની વસ્તી ધરાવતા પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી પ્રદેશમાં ઇમારતોને નુકસાન થયું હતું. કેટલાક લોકો ઘાયલ થયા હતા, પરંતુ કોઈના મોત થયા ન હતા. ભૂકંપને કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવી હતી. રશિયન સમુદ્રમાં સેવેરો-કુરિલ્સ્કના કિનારે લગભગ ૪ મીટર (૧૩ ફૂટ) ઊંચા સુનામીના મોજા અથડાયા હતા, જેના કારણે બંદર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
રશિયા ઉપરાંત, જાપાન, હવાઈ, કેલિફોર્નિયા, અલાસ્કા, ન્યુઝીલેન્ડ, ચિલી અને પેરુમાં સુનામી આવી હતી. હવાઈમાં 5.7 ફૂટ અને કેલિફોર્નિયામાં 3.5 ફૂટ ઊંચા સુનામી મોજા દરિયાકાંઠે અથડાયા હતા. આ સુનામી 2011 માં જાપાનમાં આવેલા સુનામી (130 ફૂટ) કરતા ઘણી નાની હતી, પરંતુ એક સમયે પરિસ્થિતિ એવી હતી કે જાપાને લગભગ 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા હતા
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
