<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd August 2025

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે હવે ATS પર લગાવ્યા ગંભીર આરોપ

તેમણે આરોપ લગાવ્યો કે તેમને નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, RSS ના વડા મોહન ભાગવત અને અન્ય લોકોના નામ લેવા માટે દબાણ કરાયું અને ત્રાસ આપવામાં આવ્યો હતો

ભોપાલ :2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA ની ખાસ અદાલત દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ BJP સાંસદ પ્રજ્ઞા ઠાકુરે હવે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, RSS ના વડા મોહન ભાગવત અને અન્ય લોકોના નામ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને ત્રાસ આપવામાં આવ્યો હતો.

સમાચાર એજન્સી PTI અનુસાર આ પહેલી વાર છે જ્યારે પ્રજ્ઞા ઠાકુરે જાહેરમાં આવો દાવો કર્યો છે. જોકે, NIA ની ખાસ અદાલતના 1036 પાનાના ચુકાદામાં આવા કોઈ આરોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શનિવારે સાધ્વી પ્રજ્ઞા જામીનની શરતો હેઠળ સુરક્ષા ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ભોપાલ સેશન્સ કોર્ટ પહોંચી હતી. બહાર પત્રકારો સાથે વાત કરતા, તેમણે આરોપ લગાવ્યો કે તેમને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખીને ત્રાસ આપવામાં આવ્યો હતો

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, “તેઓએ કહ્યું હતું કે મોદીજીનું નામ લો, કારણ કે હું તે સમયે સુરત (ગુજરાત) માં રહેતી હતી. તેમણે મને RSS ના વડા મોહન ભાગવત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઇન્દ્રેશ જી, રામ માધવ જી અને અન્ય ઘણા લોકોના નામ લેવા કહ્યું. પરંતુ મેં ખોટું બોલવાનો ઇનકાર કર્યો હતો.”

 

પ્રજ્ઞા ઠાકુરે વધુમાં કહ્યું, "મેં બધું લેખિતમાં આપ્યું છે અને તે બધાના નામ પણ જણાવ્યા છે જેમના નામ લેવાની મને ફરજ પાડવામાં આવી હતી. તેઓ કહેતા રહ્યા કે મને આ લોકોના નામ જણાવો, તો અમે તમને મારીશું નહીં. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય મને હેરાન કરવાનો હતો." તત્કાલીન યુપીએ સરકાર પર નિશાન સાધતા પ્રજ્ઞા ઠાકુરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ આ ખોટા કેસ પાછળ છે, જે ભગવા અને સશસ્ત્ર દળોને બદનામ કરવાના મોટા કાવતરાનો ભાગ છે.

તેને ધર્મનો વિજય ગણાવતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, "સત્યમેવ જયતે, આ ફક્ત મારી જીત નથી, તે સનાતનનો વિજય છે. વિધર્મીઓનો નાશ થશે અને તેઓ નાશ પામ્યા છે. કોંગ્રેસે તેના કાવતરાના ભાગ રૂપે આ ખોટો કેસ દાખલ કર્યો હતો. આનો કોઈ આધાર નહોતો. કોંગ્રેસ ધર્મ વિરોધી છે. તે એક એવી પાર્ટી છે જે આતંકવાદીઓને પોષે છે. કોંગ્રેસ ક્યારેય રાષ્ટ્રવાદી પક્ષ બની શકે નહીં."

સાધ્વીએ તત્કાલીન એસીપી પરમબીર સિંહ, એટીએસ વડા હેમંત કરકરે અને અધિકારી સુખવિંદર સિંહ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. તેણીએ કહ્યું, "પરમબીર સિંહ અને કરકરેએ મને જૂઠું બોલવા માટે મજબૂર કરી. પણ હું અડગ રહી."

29 સપ્ટેમ્બર 2008 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 6 લોકો માર્યા ગયા હતા અને 101 લોકો ઘાયલ થયા હતા. લગભગ 17 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ બાદ, 31 જુલાઈ 2025 ના રોજ, ખાસ NIA કોર્ટે સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતો. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ શંકાની બહાર આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો.

(10:55 PM IST)