News of Sunday, 3rd August 2025
દાયકાઓ જૂની માંગણીઓ સંતોષાતા સૌરાષ્ટ્રના વિકાસને વેગ : પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં રેલવે સુવિધાઓમાં ધરખમ વધારો
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસો ફળ્યા : ભારતીય રેલવે દ્વારા પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ માટે નવી ટ્રેનો, સ્ટોપેજ અને માળખાકીય સુવિધાઓની જાહેરાત : લોકોમાં ખુશીનો માહોલ

ભાવનગર : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના સતત પ્રયાસોને પગલે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના રેલવે માળખામાં નોંધપાત્ર સુધારા થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે ભાવનગર ખાતેથી આ વિસ્તારો માટે અનેક નવી યોજનાઓ અને ટ્રેનોની જાહેરાત કરી છે. આ જાહેરાતથી દાયકાઓથી પડતર રહેલી લોકોની માંગણીઓ સંતોષાતા સ્થાનિકોમાં આનંદનો માહોલ છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધા વધારવા અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.
મંજૂર થયેલા મુખ્ય પ્રોજેક્ટ્સની વિગતો:
* નવી ટ્રેન સેવાઓ: પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓને મંજૂરી મળી છે. આમાંથી એક ટ્રેન દૈનિક અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે.
* નવા સ્ટોપેજ: મુસાફરોની સગવડ માટે કેટલીક મુખ્ય ટ્રેનોને નવા સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં નવાગઢ સ્ટેશન પર ટ્રેન નંબર ૧૧૪૬૩/૬૪, ૧૧૪૬૫/૬૬, ૧૯૨૫૧/૫૨, અને ૧૯૩૧૯/૨૦, જેતપુર સ્ટેશન પર ટ્રેન નંબર ૧૨૯૪૫/૪૬ અને ૧૯૨૦૩/૦૪, તેમજ રાણાવાવ અને ખોડિયાર મંદિર સ્ટેશન પર ટ્રેન નંબર ૫૯૫૫૭/૬૦ને સ્ટોપેજ મળશે.
* નવી રેલવે લાઈન: ૧૨૦ વર્ષ જૂની માંગણીનો સ્વીકાર કરીને સરાડીયા અને વાંસજાળિયા વચ્ચે નવી રેલવે લાઈન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS) ને મંજૂરી આપવામાં આવી છે.
* ન્યુ કોચ મેન્ટેનન્સ હબ: અંદાજે રૂ. ૧૩૫.૬૪ કરોડના ખર્ચે રાણાવાવ સ્ટેશન પર નવું કોચ મેન્ટેનન્સ હબ બનાવવામાં આવશે.
* ઓવરબ્રિજ અને અંડરપાસ: પોરબંદર શહેરના ભદ્રકાળી ગેટ નજીક લેવલ ક્રોસિંગ નંબર ૩ પર રોડ ઓવરબ્રિજ અને નવાગઢ રેલવે સ્ટેશન પાસે અંડરપાસ બનાવવા માટે પણ પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે.
વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર:
વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને ભારતને ૨૦૩૦ સુધીમાં ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવા માટે આર્થિક વિકાસની તકોનું સર્જન થવું જરૂરી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી આર્થિક ગતિવિધિઓને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં આ નવી સુવિધાઓથી લોકોનું જીવન સરળ બનશે, સાથે જ વ્યાપાર, વાણિજ્ય અને પ્રવાસનને પણ મોટો વેગ મળશે. આ વિકાસ સાથે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
