<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

અમેરિકામાં ગુજરાતી પરિવાર પર કાળનો પંજો : ઇસ્કોન મંદિરે જવા નીકળેલા ચાર સિનિયર સિટિઝન્સના કાર અકસ્માતમાં કરુણ મોત

૪ દિવસથી ગુમ થયેલા ચારેય વરિષ્ઠ નાગરિકોના મૃતદેહ કારમાંથી મળ્યા : પેન્સિલવેનિયાની પોલીસ દ્વારા સઘન તપાસ બાદ મળી આવ્યા : અકસ્માતનું કારણ અકબંધ

પેન્સિલવેનિયા, યુ.એસ.એ. : અમેરિકામાં ભારતીય મૂળના એક ગુજરાતી પરિવારના ચાર સિનિયર સિટિઝન્સના એક ભયાનક કાર અકસ્માતમાં કરુણ મોત થયા છે. ચાર દિવસથી ગુમ થયેલા આ વરિષ્ઠ નાગરિકોના મૃતદેહ પેન્સિલવેનિયાના માર્શલ કાઉન્ટીમાંથી તેમની કારમાંથી મળી આવ્યા છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
મળતી માહિતી મુજબ, મૃતકોમાં ડો. કિશોર દિવાન (૮૯), આશા દિવાન (૮૫), શૈલેષ દિવાન (૮૬) અને ગીતા દિવાન (૮૪)નો સમાવેશ થાય છે. આ ચારેય ૨૯ જુલાઈના રોજ ન્યૂયોર્કના બફેલોથી વેસ્ટ વર્જિનિયાના માર્શલ કાઉન્ટીમાં આવેલા ઇસ્કોનના પ્રખ્યાત ધાર્મિક સ્થળ 'પેલેસ ઓફ ગોલ્ડ'ની મુલાકાત લેવા નીકળ્યા હતા.
છેલ્લા સંપર્કની વિગતો અનુસાર, તેઓએ રસ્તામાં પેન્સિલવેનિયાના એક બર્ગર કિંગ આઉટલેટ પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જોકે, ત્યારબાદ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને તેમના મોબાઈલ ફોન પણ બંધ આવતા હતા. 'પેલેસ ઓફ ગોલ્ડ' પહોંચવામાં મોડું થતા અને સંપર્ક ન થતા પરિવારજનોએ તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
માર્શલ કાઉન્ટી પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી અને હેલિકોપ્ટરની મદદથી શોધખોળ હાથ ધરી. શનિવારે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે, બિગ વ્હિલિંગ ક્રીક રોડ પરથી પોલીસને તેમની લીલા રંગની ટોયોટા કેમરી કાર મળી આવી, જેમાં ચારેયના મૃતદેહ હતા. કારની હાલત પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે તે એક ગંભીર અકસ્માતનો ભોગ બની છે. હાલ પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સઘન પ્રયાસો કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ દુ:ખદ ઘટનાએ સ્થાનિક ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે, અને પોલીસ પરિવારજનોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે.

 

(3:09 PM IST)