<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

મને નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતનું નામ લેવા ખુબ ટોર્ચર કરાતીઃ સાધ્વી પ્રજ્ઞા

મારા ઉપર બહુ જુલમ ગુજારાયોઃ મને ફેફસાની તકલીફ થયેલઃ પૂર્વ સાંસદનો આક્ષેપ

નવી દિલ્લી: માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ ના કેસ મામલે તમામ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આ આરોપમાંથી અદાલત દ્વારા મુક્ત કરાયેલાં સાધ્વી પ્રજ્ઞા એ એક મોટો આક્ષેપ કર્યો હતો કે, હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના હાલના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત તેમ જ અન્ય કેટલાક લોકો પર આ પ્રકરણમાં દોષારોપણ કરવા માટે મારા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

ભોપાલનાં ભૂતપૂર્વ સાંસદે જણાવ્યું હતું કે, મેં ખોટી રીતે કોઈનું નામ નહોતું આપ્યું. મને ખોટી રીતે સંઘના વરિષ્ઠ નેતા રામ માધવ સહિતના કેટલાક લોકોના નામ આપવા હેરાન પરેશાન કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પર બહુ જુલમ ગુજારવામાં આવતો જેથી મારી તબિયત બગડી ગઈ હતી અને ફેફસાંને લગતી તકલીફ ઊભી થઈ હતી.

હૉસ્પિટલમાં પણ મને ગેરકાયદે અટકાયત હેઠળ રખાઇ હતી. હું આ બધી વાત લખવાની છું. સત્યને ક્યારેય છુપાવી ન શકાય, હું ગુજરાતમાં રહી હતી અને તેથી મને દબાણ કરવામાં આવ્યો હતું કે, ‘હું આ કેસમાં હાલના વડા પ્રધાન મોદીનું નામ લઉ’.

વધુમાં સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે, ‘જ્યારે અમને મારવામાં આવતા ત્યારે, મને કહેવાતું કે જો તમે આ લોકોના (નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત) નામ આપશો એટલે કે તેઓ પર દોષારોપણ એટલે કે તેમના પર દોષ નાખશો તો અમે તમને નહિ મારીએ’. 17 વર્ષે જેલથી છૂટીને આવેલા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, મારા પર જે અત્યાચાર થયો છે તેના પર હું લખવાની પણ છું.

મુંબઈમાં એનઆઇએની ખાસ અદાલત દ્વારા માલેગાંવમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સાતેય આરોપીને અંદાજે 17 વર્ષ પછી 31મી જુલાઇ 2025ના રોજ નિર્દોષ જાહેર કરીને છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આરોપીઓમાં ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અને લેફટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનો પણ સમાવેશ થાય છે. જેમાંથી પ્રજ્ઞાસિંહ ઠાકુરે અત્યારે મોટા આક્ષેપો કર્યાં છે.

(2:52 PM IST)