<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

મણિપુરની અડાસો કપેશા : PM મોદીના સુરક્ષા કાફલામાં પ્રથમ મહિલા કમાન્ડો

પીએમ મોદીના બોડીગાર્ડ તરીકે મહિલા ઓફિસરનો દબદબો : મણિપુરની ઇન્સ્પેક્ટર અડાસો કપેશા SPGમાં સામેલ થનાર પ્રથમ મહિલા : યુકેની મુલાકાત દરમિયાન તસવીરો વાયરલ

નવી દિલ્હી : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ કિંગડમની મુલાકાત દરમિયાન તેમના સુરક્ષા કાફલામાં એક મહિલા ઓફિસરની હાજરીએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ મહિલા ઓફિસરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના કારણે લોકોમાં ભારે ગર્વની લાગણી જન્મી છે. આ મહિલા કમાન્ડો ઇન્સ્પેક્ટર અડાસો કપેશા છે, જે મણિપુર રાજ્યમાંથી આવે છે અને ભારતની વિશિષ્ટ સુરક્ષા ટુકડી, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) માં સેવા આપનારી પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચ્યો છે.
અડાસો કપેશાની આ સફરની શરૂઆત ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, સશસ્ત્ર સીમા બળ (SSB) થી થઈ હતી. હાલમાં તેઓ ઉત્તરાખંડના પિથોરાગઢમાં ૫૫મી બટાલિયનમાં ફરજ બજાવી રહ્યા છે. SPG જેવી અત્યંત પ્રતિષ્ઠિત અને ઉચ્ચ પ્રશિક્ષિત સુરક્ષા ફોર્સમાં તેમની પસંદગી ભારતમાં સુરક્ષા અને કાયદા અમલીકરણમાં મહિલાઓના વધતા સમાવેશનું એક મોટું પ્રતીક છે.
પુરુષ-પ્રભુત્વવાળા ક્ષેત્રમાં મહિલાનું કીર્તિમાન
વડાપ્રધાનની સુરક્ષા ટુકડીમાં અડાસો કપેશાની નિમણૂક માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતના સંરક્ષણ અને અર્ધલશ્કરી દળોમાં વધી રહેલી લિંગ સમાનતાનું એક પ્રતીક છે. તેમનો આ રોલ દર્શાવે છે કે પુરુષ પ્રધાન ક્ષેત્રોમાં પણ મહિલાઓ તેમના દ્રઢ નિશ્ચય, શિસ્ત અને કૌશલ્યના આધારે ઉચ્ચતમ સ્થાને પહોંચી શકે છે.
અડાસો કપેશાની તસવીરો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રશંસા અને ગર્વના સંદેશાઓનો ધોધ વછૂટ્યો હતો. ઘણા યુઝર્સે તેમને એક રોલ મોડેલ ગણાવીને જણાવ્યું હતું કે તેમની સિદ્ધિ દેશની મહિલાઓ માટે પ્રેરણાદાયક છે. અત્યાર સુધી SPG સંપૂર્ણપણે પુરુષોની બનેલી ટુકડી હતી. અડાસો કપેશાનો આ ઇતિહાસિક પ્રવેશ અન્ય મહિલાઓ માટે પણ ઉચ્ચ સુરક્ષા ભૂમિકાઓમાં જોડાવાનો માર્ગ ખોલશે અને યુનિફોર્મમાં નેતૃત્વની નવી વ્યાખ્યા સ્થાપિત કરશે.

 

(3:17 PM IST)