<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

ઝારખંડના પૂર્વ મુખ્‍યમંત્રી અને JMMના સ્‍થાપક શિબુ સોરેનનું નિધન : ૮૧ વર્ષની વયે અંતિમ શ્‍વાસ લીધા

કિડની સંબંધિત સમસ્‍યાઓને કારણે હોસ્‍પિટલમાં વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યા હતા : આદરણીય દિશામ ગુરૂજી બધાને છોડીને ગયા છે : આજે હું શૂન્‍ય થઇ ગયો : હેમંત સોરેન

નવી દિલ્‍હી, તા.૪:  ઝારખંડના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને ઝારખંડ મુક્‍તિ મોરચા (જેએમએમ)ના સ્‍થાપક શિબુ સોરેનનું લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ ૮૧ વર્ષના હતા. તેમણે દિલ્‍હીની ગંગારામ હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

શિબુ સોરેનને જુલાઈમાં કિડની સંબંધિત સમસ્‍યાઓને કારણે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેમની ગંભીર તબિયતને કારણે તેમને વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યા હતા.

શિબુ સોરેનના નિધન પર, તેમના પુત્ર હેમંત સોરેને કહ્યું કે આદરણીય દિશામ ગુરુજી આપણા બધાને છોડીને ગયા છે. આજે હું શૂન્‍ય થઈ ગયો છું.

કેન્‍દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શિબુ સોરેનના અવસાન પર શોક વ્‍યક્‍ત કર્યો અને કહ્યું કે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને દેશના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક શિબુ સોરેનજી ઝારખંડના એવા કટ્ટર નેતાઓમાં ગણાતા હતા, જેમણે સમાજના નબળા વર્ગો, ખાસ કરીને આદિવાસી સમાજના અધિકારો અને સશક્‍તિકરણ માટે આજીવન લડત આપી. તેઓ હંમેશા જમીન અને લોકો સાથે જોડાયેલા હતા. મારો તેમની સાથે પણ લાંબો પરિચય હતો. તેમના નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્‍યે મારી સંવેદના. ઓમ શાંતિ!

તમને જણાવી દઈએ કે શિબુ સોરેન છેલ્લા ૩૮ વર્ષથી ઝારખંડ મુક્‍તિ મોરચાના અગ્રણી નેતા હતા. તેઓ પાર્ટીના સ્‍થાપક આશ્રયદાતા તરીકે જાણીતા હતા. ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી સોરેનનો જન્‍મ ૧૧ જાન્‍યુઆરી, ૧૯૪૪ ના રોજ બિહારના હજારીબાગમાં થયો હતો, જે હવે ઝારખંડ છે. તેઓ લોકોમાં દિશામ ગુરુ અને ગુરુજી તરીકે પણ જાણીતા હતા. તેમણે શરૂઆતમાં આદિવાસીઓના શોષણ સામે લડ્‍યા હતા. તેમણે ૭૦ના દાયકામાં ‘ધનકત્‍ની આંદોલન' અને અન્‍ય ચળવળો દ્વારા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્‍યો હતો.

તેમણે બિહારથી અલગ ‘ઝારખંડ' રાજ્‍ય બનાવવાના આંદોલનમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેઓ ત્રણ વખત ઝારખંડના મુખ્‍યમંત્રી બન્‍યા (૨૦૦૫, ૨૦૦૮, ૨૦૦૯), પરંતુ એક પણ કાર્યકાળ પૂર્ણ કરી શકયા નહીં.

તેઓ યુપીએના પહેલા કાર્યકાળમાં કોલસા મંત્રી બન્‍યા હતા પરંતુ કેન્‍દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્‍યું હતું. શિબુ સોરેન તેમના પિતા શોભરામ સોરેનની હત્‍યા બાદ રાજકારણમાં પ્રવેશ્‍યા હતા.

શિબુએ ૧૯૭૭માં પહેલી વાર લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્‍યો હતો. પરંતુ ૧૯૮૦માં તેઓ સફળ રહ્યા હતા. આ પછી, તેમણે ૧૯૮૬, ૧૯૮૯, ૧૯૯૧, ૧૯૯૬માં પણ ચૂંટણી જીતી હતી. ૨૦૦૪માં તેઓ દુમકાથી લોકસભામાં ચૂંટાયા હતા. શિબુ સોરેન ઝારખંડના મુખ્‍યમંત્રી પણ રહી ચૂકયા છે. હવે તેમના પુત્ર હેમંત સોરેન રાજ્‍યના મુખ્‍યમંત્રી છે

(1:54 PM IST)