News of Monday, 4th August 2025
ભારત રશિયાથી ઓઇલ ખરીદી ખુલ્લા બજારમાં વેચી નફો કમાય છે:ટ્રમ્પની ટેરિફમાં ભારે વધારો કરવા ધમકી
ડોનાલ્ડ ટ્ર્મપે કહ્યું -- રશિયાની યુદ્ધ મશીનમાં યુક્રેનના કેટલા લોકો મરી રહ્યા છે તેની ભારતને કોઈ ચિંતા નથી. તેથી હું ભારત પર લગાવવામાં આવતા ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરીશ.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા બે સપ્તાહથી સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. આજે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા ભારત પર ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરશે. નોંધનીય છે કે અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ ધમકી આપતા કહ્યું છે, કે 'ભારત રશિયાથી મોટા પ્રમાણમાં ઓઇલ તો ખરીદે જ છે પણ પછી તેમાંથી મોટો હિસ્સો ખુલ્લા બજારમાં વેચી નફો પણ કમાય છે. રશિયાની યુદ્ધ મશીનમાં યુક્રેનના કેટલા લોકો મરી રહ્યા છે તેની ભારતને કોઈ ચિંતા નથી. તેથી હું ભારત પર લગાવવામાં આવતા ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરીશ.'
ઘણા સમયથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી. જોકે અમેરિકાની શરતો પૂરી ન કરી શકવાના કારણે સમજૂતી થઈ શકી નહોતી. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી અમેરિકા જતાં સામાન પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત સાથે ભારતને ટોણો પણ માર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં તેલના ભંડાર હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે બની શકે કે ભવિષ્યમાં ભારત પાકિસ્તાનથી ઓઇલ ખરીદે. આ સિવાય ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું હતું. ટ્રમ્પે બળાપો કાઢતા કહ્યું હતું કે રશિયા અને ભારત તેમના મૃત અર્થતંત્રને હજુ તળિયે લઈ જાય, મને કોઈ ફરક નથી પડતો.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
