<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

મોદી સરકારના ૧૦ વર્ષમાં ૪ કરોડ નોકરીનું સર્જન

માંડવિયાનું સંસદમાં મોટું નિવેદનઃ ત્રીજા કાર્યકાળની શરૂમાં ૨ લાખ કરોડના ખર્ચે ૪ કરોડથી વધુ રોજગારી ઊભી કરવાની યોજના

 

 

નવી દિલ્‍હી તા.૫: મોદી સરકારના દસ વર્ષમાં ભારતમાં ૧૦ કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જે યુપીએ શાસનના પાછલા દાયકાના ૩ કરોડની સંખ્‍યા કરતાં મોટી હોવાની માહિતી શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં આપી હતી.

લોકસભામાં શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખભાઇ માંડવિયાએ આરબીઆઇ ડેટા રજુ કરી જણાવ્‍યું કે મોદી સરકારના છેલ્‍લા દસ વર્ષમાં લગભગ ૧૦ કરોડ નોકરીનું સર્જન થયું છે. જયારેયુપીએ શાસનના દસ વર્ષ પર નજર કરીએ તો માત્ર ૩ કરોડ નોકરીનું સર્જન થયું હતું.

પ્રધાને કહ્યું કે આરબીઆઇ આઝાદી પછીથી રોજગાર સર્જન પર વાર્ષિક ડેટા જાહેર કરે છે. તેમણે ગૃહને એ પણ માહિતી આપી કે છેલ્‍લા ૧૬ મહિનામાં કેન્‍દ્રએ દેશમાં ૧૧ લાખ યુવાનોને રોજગારી ઉપલબ્‍ધ કરાવી છે.

માંડવિયાએ આગામી પાંચ વર્ષ માટે રોજગાર સર્જન માટે એક એક્‍શન પ્‍લાન પણ તૈયાર કર્યો છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં ૨ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ૪ કરોડથી વધુ રોજગારી ઊભી કરવાની યોજના અંતર્ગત પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

યોજના (પીએમવીબીઆરવાય) ૧ ઓગસ્‍ટ, ૨૦૨૫થી શરૂ કરવામાં આવી છે. દેશમાં રોજગાર સર્જનને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશ્‍યથી શરૂ કરાયેલી આ યોજનાને વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની નેતૃત્‍વ હેઠળની કેન્‍દ્રીય કેબિનેટે પહેલાથી જ મંજૂરી આપી દીધી છે.

રૂ. ૯૯,૪૪૬ કરોડ રૂપિયાના ખર્ચ સાથે પીએમવીબીઆરવાઇ બે વર્ષમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય ધરાવે છે.(૩૮.૬)

(9:48 AM IST)