<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ભારત જેવા વિશ્વાસુ સાથે ડખો કરવો આત્‍મઘાતી સાબિત થશે

ટ્રમ્‍પની પાર્ટીના મોટા નેતા અને પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ચેતવણી આપી

વોશીંગ્‍ટન,તા.૦૬: ટેરિફ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ હવે પોતાના જ દેશમાં ટાર્ગેટ પર આવી ગયા છે. ટ્રમ્‍પની પાર્ટીના મોટા નેતા અને પૂર્વ રાજદૂત નિક્કી હેલીએ ચેતવણી આપી છે કે સંબંધોમાં આગ ન લગાવો. નિક્કી હેલીએ કહ્યું કે, ભારત આપણો એક મહત્ત્વનો સ્‍ટ્રેટેજિક પાર્ટનર છે. તેનાથી દૂર જવું મતલબ અમેરિકા માટે એક ઘાતક પગલું હશે. ચીનને છૂટ આપીને ભારત સાથે સંબંધ ન બગાડો.

નિક્કી હેલીએ એક્‍સ પર લખ્‍યું કે, ભારતને રશિયા પાસેથી તેલ ન ખરીદવું જોઈએ. પણ ચીન, જે આપણું વિરોધી છે અને રશિયા અને ઈરાન પાસેથી સૌથી વધારે તેલ ખરીદે છે. જેને ૯૦ દિવસની ટેરિફ છૂટ મળી ગઈ. હેલીની આ પ્રતિક્રિયા ટ્રમ્‍પની એ જાહેરાત બાદ આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ આગામી ૨૪ કલાકની અંદર ભારતીય સામાન પર મોટો ટેરિફ લગાવવા જઈ રહ્યા છે. ટ્રમ્‍પે એક ઇન્‍ટરવ્‍યૂમાં કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કરે છે, જ્‍યારે ભારત અમારી સાથે બહુ મોટો વેપાર કરે છે. ટ્રમ્‍પે એવો પણ આરોપ લગાવ્‍યો કે, ભારત રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદે છે અને પછી તેને ઓપન માર્કેટમાં નફા સાથે વેચી રહ્યું છે.

 ભારત શક્‍તિશાળી બને, તેવું માનનારા નિક્કી હેલીએ કહ્યું કે, ચીનને છૂટ આપવી અને ભારત જેવા વિશ્વાસપાત્ર સહયોગી સાથે ડખો કરવો અમેરિકાની વિદેશ નીતિ માટે આત્‍મઘાતી થઈ શકે છે. આ સમય ભારતને સાથે લેવાનો છે, નહીં તેને દૂર કરવાનો. તમે ચીનને શું કામ બચાવી રહ્યા છો?

(9:42 AM IST)