<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

બમણી આવક તો દૂર, રાજ્‍યમાં દરેક ખેડૂત પરિવાર પર રૂા.૫૬૦૦૦ દેવું

કૃષિ વિકાસ દર બે આંકડામાં હોવાના દાવાથી વિપરીત સ્‍થિતિ

 

ગાંધીનગર તા.૬: ગુજરાતમાં રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની ખેડૂતો ખેડૂતો માટેની અનેક યોજનાઓ લાગુ હોવા છતાં દરેક ખેડૂત પરિવાર ઉપર ૫૬,૫૬૮ રૂપિયાનું દેવું છે. લગભગ તમામ રાજ્‍યમાં ખેડૂતો ઉપર વધતા-ઓછા અંશે દેવું છે પરંતુ ગુજરાતમાં વર્ષોથી કૃષિ વિકાસ દર બે આંકડામાં હોવાનો દાવો થઇ રહ્યો છે તેની સામે ખેડૂતો ઉપરનું દેવું અલગ ચિત્ર દર્શાવે છે.

ગુજરાતમાં એક તરફ ખેડૂતોની સંખ્‍યામાં સતત મોટી સંખ્‍યામાં ઘટાડો થઈ રહ્યો છે ત્‍યારે દેવું પણ મોટા પ્રમાણમાં છે. લોકસભામાં કૃષિ અને કિસાન કલ્‍યાણ મંત્રાલય દ્વારા ખેડૂતો ઉપરના દેવાના એક સવાલના જવાબમાં અપાયેલી માહિતી મુજબ ખેડૂતોને ફાયદો થાય તે માટે કુલ ૨૮ જેટલી યોજનાઓ ચલાવાઈ રહી છે. ૨૦૧૯ના વર્ષ દરમિયાન થયેલા નેશનલ સેમ્‍પલ સર્વે મુજબ ખેડૂત પરિવારો ઉપર અનેક રાજ્‍યમાં મોટા પ્રમાણમાં દેવું હતું. સર્વેના મુજબ જે દેવું છે તેમાં કૃષિ વ્‍યવસાયને લગતી મૂડી, નુકસાન, બિન કૃષિ વ્‍યવસાય, આવાસ, વિવાહ, શિક્ષણ, આરોગ્‍ય વિગેરેના ખર્ચનો પણ સમાવેશ થાય છે.

ખેડૂતોની આવક બમણી કરવાના દાવા થાય છે ત્‍યારે કેન્‍દ્ર સરકાર દ્વારા છેલ્‍લા પાંચ વર્ષમાં ખેડૂતોની આવક કે દેવાને લગતો કોઇ સર્વે ન હોય તેમ જૂના આંકડા અપાયા છે. તેના કારણે ખેડૂતો પરના દેવામાં કેટલો વધારો કે ઘટાડો થયો તેની હાલની વાસ્‍તવિક સ્‍થિતિ બહાર આવી રહી નથી.

ગુજરાતમાં લાંબા સમયથી કૃષિ વિકાસ દર ૧૦ ટકા કે તેનાથી વધુ હોવાનો દાવો સરકાર કરી રહી છે. જો કે કેગના એક ઓડિટ અહેવાલમાં સરકારના દાવાનો છેદ ઉડાવી દેવાયો હતો અને રાજ્‍યમાં કૃષિ વિકાસ દર ૬ થી ૭ ટકા હોવાની જ વિગતો બહાર આવી હતી.(૩૮.૫)

વિવિધ રાજ્‍યમાં ખેડૂત પરિવાર ઉપરનું દેવું..

ગુજરાત      ૫૬,૫૬૮

છત્તીસગઢ    ૨૧,૪૪૩

બિહાર        ૨૩,૫૩૪

૫. બંગાળ    ૨૬,૪૫૨

ઝારખંડ       ૮,૪૧૫

ઓરિસ્‍સા      ૩૨,૭૨૧

ઉત્તરાખંડ     ૪૮,૩૩૮

ઉત્તરપ્રદેશ    ૫૧,૧૦૭

હરિયાણા     ૧,૮૨,૯૨૨

કર્ણાટક       ૧,૨૬,૨૪૦

કેરળ   ૨,૪૨,૪૮૨

(1:11 PM IST)