News of Wednesday, 6th August 2025
હવે એસીની જેમ LPG સ્ટવનું પણ સ્ટાર રેટિંગ નક્કી થશે
BEE સાથે પરામર્શ કરીને આદેશો જારી કરવામાં આવ્યા : ૧ જાન્યુ. ૨૦૨૬થી થશે અમલ : કેન્દ્ર સરકારે ગેસ સ્ટવ માટે એર કંડિશનર અને અન્ય વિદ્યુત ઉપકરણો જેવા જ ઉર્જા કાર્યક્ષમતા ધોરણો રાખવા ફરજિયાત બનાવ્યા

નવી દિલ્હી, તા.૬: ઉર્જા સંરક્ષણ અને ગ્રીન કિચન બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, કેન્દ્ર સરકારે ગેસ સ્ટવ માટે એર કંડિશનર અને અન્ય વિદ્યુત ઉપકરણો જેવા જ ઉર્જા કાર્યક્ષમતા ધોરણો રાખવા ફરજિયાત બનાવ્યા છે. એટલે કે, જેમ એર કંડિશનર (AC) માટે સ્ટાર રેટિંગ (એક સ્ટારથી પાંચ સ્ટાર) ફરજિયાત છે, તેવી જ રીતે, આ સ્ટાર રેટિંગ હવે LPG ગેસ સ્ટવ માટે પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
મનોહર લાલ ખટ્ટરના નેતળત્વ હેઠળના કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે મંગળવારે ઘરેલુ LPG સ્ટવ માટે નવા ફરજિયાત ઉર્જા વપરાશ ધોરણોને સૂચિત કર્યા, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. ઉર્જા સંરક્ષણ અધિનિયમ, ૨૦૦૧ હેઠળ જારી કરાયેલ આ આદેશ, ઘરેલુ ઉર્જા કાર્યક્ષમતા સુધારવા માટેના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. તે સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
સૂચના જણાવે છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતા તમામ ઘરેલુ LPG સ્ટવ, ભલે તે આયાત કરવામાં આવે, તેમણે ભારતીય માનક (IS) ૪૨૪૬ માં વ્યાખ્યાયિત થર્મલ કાર્યક્ષમતા ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. આ આદેશો ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE) સાથે પરામર્શ કરીને જારી કરવામાં આવ્યા છે અને થર્મલ કાર્યક્ષમતા દર્શાવવા માટે સ્ટવ પર સ્ટાર લેબલિંગ ફરજિયાત બનાવ્યું છે.
નવી લેબલિંગ યોજનામાં LPG સ્ટવની થર્મલ કાર્યક્ષમતાના આધારે ૧ થી ૫ સ્ટાર સુધીના સ્ટાર રેટિંગનો સમાવેશ થાય છે. રેટિંગ ચાર્ટમાં નીચેના ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે - ૧ સ્ટાર સ્ટવની કાર્યક્ષમતા <૬૮% અને <70 હોવી જોઈએ; ૨ સ્ટાર સ્ટવની કાર્યક્ષમતાઃ <૭૦% અને <૭૨%; ૩ સ્ટાર કાર્યક્ષમતાઃ <૭૨% અને <૭૪%; ૪ સ્ટાર કાર્યક્ષમતાઃ <૭૪% અને <૭૬% અને ૫ સ્ટાર સ્ટવની કાર્યક્ષમતાઃ <૭૬%.
સૂચનામાં જણાવાયું છે કે સ્ટાર રેટિંગની માહિતી દરેક ઉપકરણ પર સત્તાવાર લેબલ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે, જેથી ગ્રાહકો વિવિધ સ્ટોવ મોડેલોના ઉર્જા પ્રદર્શનની સરળતાથી તુલના કરી શકે. લેબલિંગ સમયગાળો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૮ સુધી માન્ય રહેશે, ત્યારબાદ જો જરૂરી હોય તો દર બે વર્ષે કે તે પહેલાં તેની સમીક્ષા કરવામાં આવશે.
ટ્રિબ્યુનલ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ યોજના હેઠળ, LPG સ્ટવના તમામ ઉત્પાદકો અને આયાતકારો માટે BEE ના ઓનલાઈન ધોરણો અને લેબલિંગ પોર્ટલ દ્વારા નોંધણી કરાવવી ફરજિયાત છે. ફક્ત LPG પર ચાલતા અને માન્ય BIS પ્રમાણપત્ર ધરાવતા સ્ટવ જ લેબલિંગ માટે પાત્ર રહેશે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
