<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

પીએમ મોદી જાપાન અને ચીનની મુલાકાત લેશે : ચીનમાં SCOની બેઠકમાં હાજરી આપશે

પીએમ મોદી 30 ઓગસ્ટે જાપાન જવા રવાના થશે જ્યાં તેઓ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.

નવી દિલ્હી :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મુલાકાત લેશે. જાપાનની આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે, જ્યારે પીએમ મોદી ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની બેઠકમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી 30 ઓગસ્ટે જાપાન જવા રવાના થશે, જ્યાં તેઓ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને તકનીકી સહયોગને આગળ વધારવા પર ચર્ચા થવાની શક્યતા છે.

આ બેઠક પછી પ્રધાનમંત્રી મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિન શહેરમાં યોજાનારી SCO સમિટમાં ભાગ લેશે. 2019 પછી પીએમ મોદીની આ પહેલી ચીન મુલાકાત હશે. SCO બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ, વેપાર સહયોગ અને બહુપક્ષીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે BRICS દેશોને નિશાન બનાવ્યા છે અને યુએસ રાષ્ટ્રપતિ દાવો કરે છે કે BRICS દેશો ડોલરના વર્ચસ્વને પડકાર આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આ મુલાકાત વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

જૂન મહિનાની શરૂઆતમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીનના કિંગદાઓ શહેરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો જે આતંકવાદ પર ભારતની કડક નીતિને નબળી બનાવી શકે છે. આતંકવાદના મુદ્દા પર મતભેદોને કારણે, શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) એ સંયુક્ત નિવેદન બહાર ન પાડવાનો નિર્ણય લીધો હતો.

 

(7:31 PM IST)