<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

રોડ તૂટેલા, સર્વિસ રોડ બંધ તો પછી ટૉલ કઈ વાતનો આપવાનો

હાઈકોર્ટે NHAIને ફટકાર લગાવીઃડિવિઝન બેન્ચે કહ્યું કે, NHAI અને તેના એજન્ટનું કર્તવ્ય છે કે તે જનતાને સુરક્ષિત, અડચણ વિના વ્યવસ્થિત ઍક્સેસ આપે

તિરુવનંતપુરમ, તા.૬

કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તતડાવતા કહ્યું કે જ્યારે રોડ તૂટેલા છે, સર્વિસ રોડ ખરાબ છે અને ટ્રાફિક જામથી જનતા પરેશાન છે, તો ટોલ વસૂલવાનો કોઈ નૈતિક અથવા કાનૂની અધિકાર નથી. આ નિર્ણય એડાપલ્લીથી મન્નુથી (NH-544) સુધીના હાઈવે પર ટોલ કલેક્શન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સંભળાવ્યો હતો. આ ભાગમાં અંડરપાસ, ફ્લાઈઓવર અને ડ્રેનેજ વર્કના કારણે ભારે ટ્રાફિક જામ થાય છે. આ ઉપરાંત સર્વિસ રોડ પણ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. ત્યારે આવા સમયે લોકોએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે મુસાફરી સુરક્ષિત અને સુગમ નથી, તો પછી ટોલ કઈ વાતનો?

જસ્ટિસ એ. મુહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ હરિશંકર વી. મેનની ડિવિઝન બેન્ચે કહ્યું કે, NHAI અને તેના એજન્ટનું કર્તવ્ય છે કે તે જનતાને સુરક્ષિત, અડચણ વિના વ્યવસ્થિત ઍક્સેસ આપે. જો નથી થઈ રહ્યું તો ટોલ વસૂલવો ખોટી વાત છે. કોર્ટે આદેશ આપ્યો કે આગામી ચાર અઠવાડિયા સુધી ટોલ કલેક્શન તત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દો. આ દરમ્યાન સરકારે પબ્લિકની ફરિયાદો સાંભળતા સમાધાન કાઢવું પડશે.

બેન્ચે કહ્યું કે, જનતા અને સરકારની વચ્ચે એક વિશ્વાસનો સંબંધ હોય છે. જ્યારે સરકાર આ વિશ્વાસને તોડે છે, તો પછી તે જનતા પર જબરદસ્તી ટોલ થોપી શકે નહીં. કોર્ટે બેધડક કહ્યું કે, કોઈ પણ કોન્ટ્રાક્ટ અથવા ડીલ જનતાના હિતથી ઉપર ન હોઈ શકે. જ્યારે રોડ ચાલવા લાયક નથી તો ખાલી કોન્ટ્રાક્ટનો હવાલો આપીને ટોલ લેવો હળાહળ અન્યાય છે. કોર્ટે NHAIના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. જજોએ કહ્યું કે, ફેબ્રુઆરી ૨૦૨૫થી જ જનતાની ફરિયાદો સામે આવી રહી હતી. ઘણી વાર અવસર આપવા છતાં NHAI એ કોઈ પગલાં ભર્યા નહીં. આ જનતા પ્રત્યે બેજવાબદારી છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં આવી સ્થિતિના નિવારણ માટે કોઈ ઠોસ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ બનાવ્યા નથી. આ લાપરવાહી હવે સાંખી લેવાય નહીં.

(9:53 PM IST)