News of Wednesday, 6th August 2025
ચૂંટણી પંચે તેજસ્વી યાદવને બીજી નોટિસ ફટકારી: બે દિવસમાં બે EPIC કાર્ડ રજૂ કરવા આદેશ
તેજસ્વી યાદવને આ બીજી નોટિસ મોકલવામાં આવી જેમાં તેમને પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખિત EPIC નંબર અને અન્ય એક EPIC નંબર, પંચ સમક્ષ રજૂ કરવા જણાવાયું

પટણા : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વખતે વિવાદના કેન્દ્રમાં છે વિરોધ પક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અગ્રણી નેતા તેજસ્વી યાદવ. બે અલગ-અલગ મતદાર ઓળખપત્રો રાખવાના મામલે ચૂંટણી પંચે તેમને બીજી નોટિસ મોકલીને બે દિવસમાં જવાબ આપવા અને બંને કાર્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
નોટિસનો ઘટનાક્રમ
ગયા રવિવારે, તેજસ્વી યાદવે પટણામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે તેમનું નામ મતદાર યાદીમાંથી ગાયબ છે. તેમણે સત્તાવાર વેબસાઇટ પર એક EPIC (મતદાર ઓળખ નંબર) RAB2916120 દાખલ કરીને આ વાત સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચૂંટણી પંચે આ દાવાને રદિયો આપતા કહ્યું કે તેજસ્વી યાદવનું નામ દીઘા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર 204 પર નોંધાયેલું છે અને તેમનો સાચો EPIC નંબર RAB0456228 છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે તેજસ્વીએ જે EPIC નંબર રજૂ કર્યો હતો તે સત્તાવાર રીતે જારી કરાયો નથી. આ મામલે સ્પષ્ટતા મેળવવા માટે ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા તેજસ્વી યાદવને આ બીજી નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં તેમને પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખિત EPIC નંબર અને અન્ય એક EPIC નંબર, બંનેને પંચ સમક્ષ રજૂ કરવા જણાવાયું છે. આ ઘટના પર તેજસ્વી યાદવનો આગામી જવાબ શું હશે તેના પર સૌની નજર ટકેલી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
