News of Thursday, 7th August 2025
લોટ, તેલ, ચોખા... બધું મોંઘુ થયું: વધુ વરસાદ- ઓછા પાકને કારણે ઘરનું બજેટ બગડ્યું
તહેવારો વખતે જ મોંઘવારીએ મોઢું ફાડ્યું: દરેક ચીજના ભાવ વધી ગયા :છેલ્લા એક મહિનામાં ખાદ્ય તેલ, ચોખા, લોટ અને શાકભાજી સહિત મુખ્ય ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારો થયો છેઃ છેલ્લા બે-ચાર અઠવાડિયામાં, સરસવ અને સૂર્યમુખી તેલ, ચોખા અને ટામેટાંના ભાવમાં ૫૦% સુધીનો વધારો થયો છે

નવી દિલ્હી તા.૭: અપેક્ષા કરતાં વધુ ચોમાસાનો વરસાદ, પાકનું ઓછું ઉત્પાદન અને નબળા રૂપિયાને કારણે દેશના ઘરોના રસોડાના બજેટમાં બગાડ થયો છે. છૂટક અને કૃષિ વ્યવસાયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં ખાદ્ય તેલ, ચોખા, લોટ અને શાકભાજી સહિત મુખ્ય ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારો થયો છે. છેલ્લા બે-ચાર અઠવાડિયામાં, સરસવ અને સૂર્યમુખી તેલ, ચોખા અને ટામેટાંના ભાવમાં ૫૦% સુધીનો વધારો થયો છે. ઘઉંનો લોટ, મેંદો, સોજી અને ખાંડના ભાવમાં પણ છેલ્લા મહિનામાં ૬% સુધીનો વધારો થયો છે.
રૂપિયાનું મૂલ્ય ભારે ઘટી ગયું છે. ૧૫ જુલાઈએ એક અમેરિકન ડોલર ૮૫.૯૦ રૂપિયા હતો, જે ૫ ઓગસ્ટે ૮૭.૮૨ રૂપિયા થઈ ગયો. આ કારણે વિદેશથી આયાત થતા તેલના ભાવમાં વધારો થયો છે.
એડબલ્યુએલ એગ્રી બિઝનેસના મેનેજિગ ડિરેક્ટર અંશુ મલિક કહે છે કે વિનિમય દરમાં બે રૂપિયાનો તફાવત પણ વિદેશથી આયાત થતા તેલને મોંઘુ બનાવે છે. મલિક એમ પણ માને છે કે આ વર્ષે સરસવનું ઉત્પાદન ૧૦-૧૦.૫ મિલિયન ટન થશે, જ્યારે સરકારે ૧૧૧.૫-૧૨ મિલિયન ટનનો અંદાજ લગાવ્યો હતો.
છેલ્લા ત્રણ મહિનામાં સરસવના તેલના ભાવમાં લગભગ ૩૦%એટલે કે ૪૦ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલના ભાવમાં ૧૦-૧૫%નો વધારો થયો છે. એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ અને ખરાબ હવામાનને કારણે નારિયેળના ઉત્પાદનમાં ૯% ઘટાડો થયો છે, જેના કારણે માંગ અને પુરવઠા વચ્ચે અંતર સર્જાયું છે.
ક્રિસિલ રેટિગ્સના સિનિયર ડિરેક્ટર રાહુલ ગુહા કહે છે કે ભારતમાં વપરાતા તેલમાં પામ, સૂર્યમુખી અને સોયાબીન તેલનો હિસ્સો ૮૫% થી વધુ છે. ઓછા પુરવઠા અને ઓછા સ્ટોકને કારણે, છેલ્લા બે મહિનામાં તેમના ભાવમાં વધારો થયો છે. જોકે, ગુહા કહે છે કે સરકાર દ્વારા તાજેતરમાં ડ્યુટીમાં ઘટાડો કરવાથી આ નાણાકીય વર્ષમાં સ્થાનિક સરેરાશ ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે.
ગયા વર્ષની સરખામણીમાં ફેક્ટરી ગેટ પર ખાંડના ભાવ ૭-૮% વધારે છે, કારણ કે પાકમાં ઘટાડો થયો છે. ગયા મહિનામાં તેમાં ૪%નો વધારો થયો છે, કારણ કે વેચાણ ક્વોટા ઓછો છે અને તહેવારોની માંગ વધારે છે. બાંગ્લાદેશ અને કેન્યા સરકારોએ ચોખાની આયાતની જાહેરાત કર્યા પછી છેલ્લા બે અઠવાડિયામાં ચોખાના ભાવમાં પણ ૧૦-૧૫%નો વધારો થયો છે. બાંગ્લાદેશ ૯૦૦,૦૦૦ ટન ચોખા ખરીદશે, જ્યારે કેન્યા ૫૦૦,૦૦૦ ટન ચોખા આયાત કરશે. સ્વર્ણ જાતના ચોખાના ભાવ ૨૯ રૂપિયા/કિલોથી વધીને ૩૨.૫૦ રૂપિયા થયા છે.
ઉદ્યોગ અધિકારીઓનું કહેવું છે કે કેટલીક બાબતોમાં ફુગાવામાં આ વધારો કામચલાઉ છે અને બે-ત્રણ મહિનામાં નવો પાક આવશે ત્યારે તે ઘટશે. ક્રિસિલના ગુહા કહે છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં પામ અને સૂર્યમુખીનો સારો પાક થવાની અપેક્ષા છે, ત્યારબાદ ખાદ્ય તેલના ભાવ ઘટશે.(૩૮.૫)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
