તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 7th August 2025
CBSE એ ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી
વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી ૭૫% હાજરી ફરજિયાત ઃઅન્ય કોઈ ગંભીર કારણોસર વિદ્યાર્થીઓને હાજરીમાં ૨૫%ની છૂટ સીબીએસઈ દ્વારા આપવામાં આવી છે

નવી દિલ્હી, તા.૭:કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી ૭૫% હાજરી ફરજિયાત છે. જોકે, મેડિકલ ઈમરજન્સી, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવો અથવા અન્ય કોઈ ગંભીર કારણોસર વિદ્યાર્થીઓને હાજરીમાં ૨૫%ની છૂટ આપવામાં આવી છે.
અહેવાલ અનુસાર, મેડિકલ ઈમરજન્સી, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા અંગે વિદ્યાર્થીઓએ યોગ્ય પુરાવા અને રેકોર્ડ શાળામાં જમા કરાવવા પડશે. તેમજ લેખિત અરજી વિનાની કોઈપણ રજાને ગેરહાજરી ગણવામાં આવશે જેથી મેડિકલ કે અન્ય કારણોસર રજા લેનારા વિદ્યાર્થીઓએ રજાના સમયગાળા દરમિયાન યોગ્ય ડોક્યુમેન્ટ સાથે શાળામાં અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત બોર્ડે જણાવ્યું છે કે શાળાઓએ નિયમિતપણે દેખરેખ રાખવી પડશે અને હાજરીનો રેકોર્ડ પણ જાળવવો પડશે. તેમજ હાજરી રજિસ્ટર દરરોજ અપડેટ થવું જોઈએ અને તેના પર વર્ગશિક્ષક અને શાળાના સક્ષમ અધિકારીની સહી હોવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી વારંવાર શાળાએ ગેરહાજર રહે છે, તો વાલીઓને લેખિતમાં જાણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. CBSEના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, નિયમિત હાજરી ફક્ત બોર્ડની પરીક્ષાની જરૃરિયાતો પૂરી કરવા માટે જ નહીં, પરંતુ એક જવાબદાર અને કુશળ વ્યક્તિત્વના વિકાસ માટે પણ જરૃરી છે. CBSE વિદ્યાર્થીઓની હાજરીના રેકોર્ડની ઓચિંતી તપાસ પણ કરી શકે છે. જો આવા નિરીક્ષણ દરમિયાન રેકોર્ડ અધૂરા અથવા ખોટા જણાય, તો શાળાની માન્યતા રદ થવા સુધીની કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
