<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

રાહુલ ગાંધીના નિમંત્રણને લઈ 24 પક્ષોના નેતાઓ અને સાંસદો રાત્રિભોજન માટે પહોંચ્યા: લેવાયા મોટા નિર્ણયો

કોંગ્રેસની સતત આકરી ટીકા કરતાં મમતા બેનર્જીની પાર્ટી TMC પણ હાજર : સપા,આરજેડી, શિવસેના, ડીએમકે, એનસીપી અને સીપીઆઈના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા

નવી દિલ્હી :દિલ્હીમાં આજે INDIAની એક મિટિંગ મળી હતી. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિમંત્રણને લઈ 24 પક્ષોના નેતા આજે રાત્રિભોજન માટે અહીં પહોંચ્યા હતા. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, આ બેઠકમાં વિપક્ષી ગઠબંધન દ્વારા અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ 24 પક્ષોના 50 થી વધુ નેતાઓ અને સાંસદો આ રાત્રિભોજન અને મિટિંગમાં પહોંચ્યા હતા.  

     દિલ્હીમાં યોજાયેલ આ બેઠકમાં સૌથી મોટી વાત એ હતી કે, કોંગ્રેસની સતત આકરી ટીકા કરતાં મમતા બેનર્જીની પાર્ટી TMC તેમાં હાજર હતી. આ સાથે સપા,આરજેડી, શિવસેના, ડીએમકે, એનસીપી અને સીપીઆઈના નેતાઓ પણ હાજર હતા. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંસદમાં જે કંઈ થઈ રહ્યું છે તે વિપક્ષ માટે ચેતવણીથી ઓછું નથી. બિહારમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાએ વિપક્ષી પક્ષોને એક થવા મજબૂર કર્યા છે 

    વિપક્ષી ગઠબંધનના DMK થી CPIM સુધી અને આમ આદમી પાર્ટીથી TMC સુધી બધાએ તેને મતદારોના અધિકારો પર હુમલો ગણાવ્યો છે. વિપક્ષ માને છે કે, સરકાર મતદાર યાદીમાંથી પસંદગીપૂર્વક નામો કાઢી નાખીને ચૂંટણી ગણિત બદલવા માંગે છે. અને આ જ ડર છે જેણે ભારતની કાટ લાગી ગયેલી મશીનરીને ફરીથી શરૂ કરી છે  

    આ બેઠકને લઈ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, લગભગ 24 પક્ષો હાજર રહ્યા હતા. શરદ પવાર જેવા અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. અમે સરકારને યોગ્ય પ્રશ્નો પૂછ્યા છે અને સરકાર પર દબાણ લાવ્યું છે. આજે રાહુલ ગાંધીએ પુરાવા સાથે દર્શાવ્યું કે, મતદારો સાથે છેતરપિંડી કેવી રીતે થઈ રહી છે. INDIA ગઠબંધનના નેતાઓ ચૂંટણીમાં છેતરપિંડી અંગે ચર્ચા કરી રહ્યા છે અને તેના વિશે પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, રાજ્યના દરજ્જા અંગે માંગ કરવામાં આવી છે રાજ્યસભાની બેઠકો ભરવા અંગે પણ ચર્ચા થવી જોઈએ.

(10:50 PM IST)