<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

લ્‍યો બોલો...! હરવા-ફરવા માટે પણ લોકો લોન લઈ રહ્યા છે

કોરોના પછી ટ્રેન્‍ડ બદલાયોઃ લોન લેવામાં પ્રાઈવેટ સેક્‍ટરનાં લોકો વધુઃ સર્વે ૨૭ ટકા ભારતીયોએ હોલીડે માણવા માટે પર્સનલ લોન લીધીઃ લોન લેનારમાં ૭૧ ટકા ટિયર-૨ અને ટિયર-૩ શહેરોનાઃ લોન લેનારા ૬૫% પ્રાઈવેટ સેક્‍ટરનાં લોકો

નવી દિલ્‍હી,તા.૦૮: જો તમને મુસાફરી કરવાનું મન થાય છે, તો શું બેંક બેલેન્‍સ જોયા પછી યોજના માંડી વાળશો? મોટાભાગના ભારતીયો હવે આવું કરતા નથી. તાજેતરના અહેવાલ મુજબ છેલ્‍લા છ મહિનામાં, દર ચારમાંથી એક (૨૭%) લોકોએ હોલીડે માટે વ્‍યક્‍તિગત લોન લીધી હતી. ખાનગી નોકરી ધરાવતા ૬૫% લોકો હોલીડે  માટે લોન લેવામાં સૌથી આગળ છે. તેમના પછી વ્‍યવસાયિક લોકો (૧૭%) આવે છે. પૈસાબજારના સર્વેમાં આ વાત સામે આવી છે. વર્ષ ૨૦૨૩ માં, આ આંકડો ૨૧% હતો, જે હવે છ ટકા વધ્‍યો છે.આ સર્વે દેશના ૯૭ શહેરો અને નગરોના ૫,૭૦૦ થી વધુ લોકો પર કરવામાં આવ્‍યો છે. આ રિપોર્ટમાં કેટલીક રસપ્રદ માહિતી બહાર આવી છે, જેમાંથી એક એ છે કે હોલિડે લોન લેનારાઓમાં નોન-મેટ્રો શહેરોના ગ્રાહકોનો હિસ્‍સો ઘણો વધારે છે. આ ગ્રાહકોમાંથી ૭૧ ટકા ગ્રાહકો ટાયર-૨ અને ટાયર-૩ શહેરોના છે, જ્‍યારે માત્ર ૨૯ ટકા ગ્રાહકો ટાયર-૧ મેટ્રો શહેરોમાંથી આવે છે.

મોટા શહેરોમાં, દિલ્‍હીવાસીઓ સૌથી વધુ લોન લઈ રહ્યા છે. અહીંના ૩૫% લોકોએ હોલીડે  માટે લોન લીધી હતી. હૈદરાબાદ ૧૮% સાથે બીજા સ્‍થાને છે. મુંબઈ (૧૫%) અને બેંગ્‍લોર (૧૪%) પણ ટોચના શહેરોમાં છે.

સૌથી આヘર્યજનક વાત એ છે કે લોન લેનારાઓમાં ૭૧% લોકો ટાયર-૨ અને ટાયર-૩ શહેરો (જેમ કે લખનૌ, આગ્રા, જયપુર) ના છે. ૨૦૨૩ માં આ સંખ્‍યા ૬૮% હતી, જે હવે વધુ વધી ગઈ છે. આ શહેરોમાં આર્થિક સ્‍વતંત્રતા અને હોલીડેની ઇચ્‍છા ઝડપથી વધી રહી છે.

ખાનગી નોકરી કરતા ૬૫% લોકો હોલીડે  માટે લોન લેનારાઓમાં મોખરે છે. તેમના પછી વ્‍યવસાયિક લોકો (૧૭%) આવે છે. જો આપણે ઉંમર પ્રમાણે જોઈએ તો, ૩૦-૪૦ વર્ષના યુવાનો (૪૭%) સૌથી વધુ લોન લઈ રહ્યા છે, પરંતુ ૨૦-૩૦ વર્ષના યુવાનો (જનરેશન ઝેડ) સૌથી ઝડપથી વધી રહ્યા છે. ૨૦૨૩ ની સરખામણીમાં તેમની સંખ્‍યા બમણી થઈને ૨૯% થઈ ગઈ છે.

દેશમાં  હોલીડે માટે ગોવા ૧૮% લોકોની પહેલી પસંદગી છે. ત્‍યારબાદ કાશ્‍મીર (૧૬%) અને હિમાચલ પ્રદેશ (૧૪%) આવે છે. દક્ષિણપૂર્વ એશિયા (૪૪%) વિદેશમાં સૌથી વધુ લોકપ્રિય છે. જાણવા જેવી વાત એ છે કે મોટાભાગની લોન જાન્‍યુઆરી અને જૂન મહિનામાં લેવામાં આવે છે, કારણ કે આ રજાઓનો સમય છે.

મોટાભાગના લોકો નાની રકમની લોન લઈને મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે, જેથી તે સરળતાથી ચૂકવી શકાય. ૩૦% લોકો રૂ.૧-૩ લાખ, ૨૦% લોકો રૂ.૫૦,૦૦૦-૧ લાખ, ૧૯% લોકો રૂ.૩-૫ લાખ

ખાસ વાત એ છે કે ૨૦૨૩ની સરખામણીમાં રૂ.૫૦,૦૦૦ થી ઓછી લોન લેનારા લોકોની સંખ્‍યા ૭ ગણી વધીને ૧૫% થઈ ગઈ છે.

રિપોર્ટમાં બીજી એક રસપ્રદ વાત પ્રકાશમાં આવી છે. ભારતીયો હવે ઘરના સમારકામ કે લગ્ન કરતાં  હોલીડે પર વધુ પૈસા ખર્ચવા માંગે છે. ૨૦૨૩માં, ૩૧% લોકો ઘરના નવીનીકરણ માટે લોન લેતા હતા, જે હવે ઘટીને ૨૪% થઈ ગયા છે. તે જ સમયે, ટ્રાવેલ લોનની માંગ ૨૭% સુધી પહોંચી ગઈ છે.

પૈસાબજારના સીઈઓ સંતોષ અગ્રવાલે જણાવ્‍યું હતું કે, ગ્રાહકો તેમની આકાંક્ષાઓ અને જીવનશૈલીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે લોનનો ઉપયોગ કરવામાં વધુ આરામદાયક અને આત્‍મવિશ્વાસુ બની રહ્યા છે. હોલીડે  લોનમાં વધારો આ પરિવર્તનને પ્રતિબિબિત કરે છે.

(10:03 AM IST)