News of Friday, 8th August 2025
અમેરિકાની ઈકોનોમી મંદીમાં સરકી રહી છે! જોબ્સના આંકડા ચિંતાજનક
મેથી જુલાઈના ગાળામાં અમેરિકામાં નવી જોબ્સ સર્જાવાનું પ્રમાણ પાંચ વર્ષના તળીયે પહોંચી ગયું છેઃ જેનાથી ટ્રમ્પ ધૂંઆપૂંઆ

વોશીંગ્ટન તા.૮: અમેરિકામાં મે, જૂન અને જુલાઈમાં નવી સર્જાયેલી જોબ્સનો આંકડો અત્યંત ઓછો રહેતા ટ્રમ્પ ધૂંઆપૂંઆ છે અને તેમણે આ રિપોર્ટ તૈયાર કરનારા મહિલા અધિકારીને પણ ઘરેભેગાં કરી દીધા છે. જોકે, ટ્રમ્પને કદાચ ડોસી મરે તેનો નહીં પણ જમ ઘર ભાળી જાય તેનો વધુ ડર હોય તેવું લાગી રહ્યું છે કારણકે જૂનથી જુલાઈ દરમિયાન જોબ્સની સંખ્યામાં જે ધરખમ ઘટાડો થયો છે તે અમેરિકાની ઈકોનોમી મંદી તરફ સરકી રહી હોવાનો પણ સંકેત આપી રહ્યો છે.
આમ તો મે અને જૂનમાં થયેલા નવા હાયરિગનો જે ડેટા સામે આવ્યો હતો તેને લઈને ટ્રમ્પ હવામાં ઉડી રહ્યા હતા પરંતુ તેના નંબર્સમાં ૯૦ ટકા જેટલું કરેક્શન થતાં તેમની કમાન છટકી હતી. મે અને જૂન ઓછા હતા તેમ જુલાઈમાં સર્જાયેલી નવી જોબ્સનો આંકડો પણ ઘણો જ ચિતાજનક રહ્યો હતો, કારણકે આ મહિનામાં માત્ર ૭૩,૦૦૦ જોબ્સ સર્જાઈ હતી.
જ્યોર્જ બુશની સરકારમાં કોંગ્રેસનલ બજેટ ઓફિસના ડિરેક્ટર રહી ચૂકેલા ડગ્લાસ હોલ્ટ્ઝે આ મામલે સીએનએન સાથે વાત કરતા એવું જણાવ્યું હતું કે જોબ માર્કેટની સ્થિતિ ભયાનક છે. હેલ્થ અને એજ્યુકેશનને બાદ કરતા પ્રાઈવેટ સેક્ટર્સમાં છેલ્લા ત્રણ મહિનાથી કોઈ ખાસ નવું હાયરિગ નથી થયું. કોવિડ પેન્ડેમિક પહેલા અમેરિકાની ઈકોનોમીમાં દર મહિને એરવેજ ૧.૭૭ લાખ જોબ્સ સર્જાતી હતી જ્યારે ૨૦૨૫માં અત્યારસુધી દર મહિને સરેરાશ માંડ ૮૫ હજાર નવી જોબ્સ સર્જાઈ છે.
એટલે કે પાંચ વર્ષમાં નવા હાયરિગનું પ્રમાણ લગભગ અડધોઅડધ થઈ ગયું છે. જોકે, અમુક એક્સપર્ટ્સનું એવું પણ માનવું છે કે જોબ્સનો રિપોર્ટ નબળો આવે તો તેનો અર્થ એવો પણ નથી થતો કે મંદી આવવાની તૈયારીમાં છે. આમ તો વીક જોબ નંબર્સ મંદીનો સંકેત ચોક્કસ ગણી શકાય છે પરંતુ આવી સ્થિતિમાં મંદી આવશે જ તેવું કહેવું યોગ્ય નથી.
તો બીજી તરફ અમેરિકામાં ઘટી રહેલી જોબ્સની પાછળ જે કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે તે ટ્રમ્પની આર્થિક નીતિ સાથે સીધી રીતે સંકળાયેલા છે. ખાસ તો ટેરિફ પોલિસીને કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં પિક્ચર ક્લીયર ના થાય ત્યાં સુધી કંપનીઓ નવી ભરતી કરવાનું ટાળી રહી છે.
મતલબ કે, જોબ્સમાં થઈ રહેલો ઘટાડો અને સ્થિર વ્યાજ દર પાછળ પણ ક્યાંકને ક્યાંક ટ્રમ્પની ટેરિફ પોલિસી જ જવાબદાર છે. ટેરિફને કારણે ચીજવસ્તુના ભાવ કેટલા વધે છે તેના પર ફેડની નજર છે તો બીજી તરફ અમેરિકાની ઈકોનોમી હજુ એટલી પણ નબળી નથી પડી કે વ્યાજના દર ઘટાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના રહે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
