<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

રક્ષાબંધન પર્વે રાખડીઓની ધૂમ ખરીદી : બજારો રંગબેરંગી રક્ષાઓથી ઝળહળી ઉઠી

બહેનો ભાઈઓ માટે રક્ષા ખરીદવા બજારોમાં ઉમટતી પડતા બજારોમાં કીડિયારું ઉભરાઈ પડ્યું

શ્રાવણ માસ એટલે તહેવારો અને ધાર્મિક આસ્થા ભરેલો પવિત્ર સમયગાળો. આ પવિત્ર મહિનામાં રક્ષાબંધન જેવી પારંપરિક અને ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ ઉજવણીનો તહેવાર આવતા શહેરના બજારોમાં રંગબેરંગી રક્ષાઓની દુકાનો ઝળહળી ઉઠી છે. અને રક્ષાબંધન પર્વને આડે માત્ર એક દિવસ રહ્યો હોય બહેનો ભાઈઓ માટે રક્ષા ખરીદવા બજારોમાં ઉમટતી પડતા બજારોમાં કીડિયારું ઉભરાઈ પડ્યું છે. રક્ષાબંધન પર્વને લઈને બહેનો દ્વારા મીઠાઈ, ડ્રાયફ્રુટ, ચોકલેટ અને ફરસાણની ખરીદીમાં પણ વધારો થયો છે.

આ વર્ષે બજારમાં નાના બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સવાળી, રબર અને પ્લાસ્ટિકની રમૂજી રક્ષાઓથી લઈને વેલવેટ, તુલસી, સુખડ અને દ્રાક્ષના મણકાઓથી શોભિત પરંપરાગત રક્ષાઓ પણ ઉપલબ્ધ છે. કેટલાક વેપારીઓએ તો ફ્રેન્ડશીપ બેલ્ટના મોડર્ન સ્વરૂપે રચાયેલ રાખડીઓ પણ વેચાણ માટે મૂકી છે, જે જમાના સાથે જોડાવાનો પ્રયાસ જણાય છે.

રક્ષાબંધનનો પર્વને આડે માત્ર એક જ દિવસ રહ્યો હોય ત્યારે યુવતીઓ અને મહિલાઓના ટોળા બજારમાં ખરીદી કરતા જોવા મળતાં તહેવારની આતુરતા સ્પષ્ટ અનુભવી શકાય છે. બહેનો ભાઈઓ માટે ભાવનાત્મક રાખડી પસંદ કરે છે તો કેટલીક બહેનો માટે એ સુમનનું સ્મરણ અને લાગણીઓ વ્યક્ત કરવાની સોનાની તક હોય છે. આમ, ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજવતો રક્ષાબંધન તહેવાર બજારોમાં હર્ષ અને ઉત્સાહ સાથે આવકારાતો જોવા મળી રહ્યો છે.

(1:00 PM IST)