News of Friday, 8th August 2025
ટ્રમ્પ ટેરીફની અસર : વોલમાર્ટ એમેઝોન જેવા રિટેલર્સે ભારતીય ઓર્ડર લેવાના બંધ કરી દીધા
અમેરિકન કંપનીઓ ઇચ્છે છે કે, ભારતીય નિકાસકારો ટેરિફ દ્વારા વધેલો ખર્ચ સહન કરે, જેનાથી ખર્ચ 30-35 ટકા વધી શકે

અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ, વોલમાર્ટ એમેઝોન જેવા અમેરિકન રિટેલર્સે ભારતીય ઓર્ડર લેવાના બંધ કરી દીધા છે. નિકાસકારોને ડર છે કે, ટેરિફમાં વધારાથી ઓર્ડર પર અસર પડશે. અમેરિકન કંપનીઓ ઇચ્છે છે કે, ભારતીય નિકાસકારો ટેરિફ દ્વારા વધેલો ખર્ચ સહન કરે, જેનાથી ખર્ચ 30-35 ટકા વધી શકે છે.
NDTV એ સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, ભારતીય નિકાસકારોને અમેરિકન ખરીદદારો તરફથી પત્રો અને ઇમેઇલ મળ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નિકાસકારોએ આગામી સૂચના સુધી કપડાંનું શિપમેન્ટ બંધ કરવું જોઈએ.
અમેરિકન કંપનીઓ ઇચ્છે છે કે, ભારતીય નિકાસકારો ટેરિફ દ્વારા વધેલો ખર્ચ સહન કરે. ટેરિફથી અમેરિકામાં વેચાતા માલની કિંમત 30 થી 35 ટકા વધવાની શક્યતા છે. મુખ્ય ભારતીય નિકાસકારો વેલસ્પન લિવિંગ, ગોકલદાસ એક્સપોર્ટ્સ, ઇન્ડો કાઉન્ટ અને ટ્રાઇડેન્ટ છે, જે અમેરિકામાં તેમના માલનો 40 થી 70 ટકા હિસ્સો વેચે છે.
એવું માનવામાં આવે છે કે, હવે અમેરિકા જતા ઓર્ડર પર રોક લગાવવાને કારણે વેપારમાં 40 થી 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. વાસ્તવમાં, ભારતમાંથી સૌથી વધુ કપડાં અમેરિકામાં નિકાસ થાય છે. પરંતુ ટેરિફને કારણે, ભારતના ઓર્ડર બાંગ્લાદેશ અને વિયેતનામ જઈ શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે બાંગ્લાદેશ અને વિયેતનામ પર તે માત્ર 20 ટકા છે. ભારતે ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેને અતાર્કિક ગણાવ્યો હતો, જ્યારે ટ્રમ્પ તેના પર અડગ છે. હાલમાં, વેપાર સોદો ન થાય ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આવવાની કોઇ શક્યતા નથી.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
